રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભાવનગરનો શેત્રુજી ડેમ, અમરેલીનો ખોડિયાર ડેમ તેમજ ગીર સોમનાથ અને જુનાગઢના જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે. જ્યારે રાજકોટ નજીક આવેલા ભાદર ડેમની જળસપાટીમાં 1.25 ફુટનો વધારો થયો છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સિંચાઇ હસ્તકના 82 ડેમમાંથી 24 જેટલા ડેમોમાં 9 ફૂટ સુધી નવાં નીરની આવક થઇ છે. જેમાં સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર ડેમમાં 1.25 ફૂટની નવાં પાણીની આવક થઇ છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફળ ડેમમાં 1.71 ફૂટ, આજી-3માં 1.44 ફૂટ અને ડોંડી ડેમમાં સૌથી વધુ 9.35 ફૂટ નવાં નીરની આવક થઇ છે.
રાજકોટ સિંચાઇ વિભાગના ફ્લડ કંટ્રોલના સૂત્રોએ જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના 6 ડેમમાં નવાં નીરની આવક થઇ છે. જેમાં ન્યારી-2માં 0.33 અને છાપરવડી-2માં 1.97 ફૂટ નવાં નીર આવ્યા છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના મચ્છુ-1માં 2.23, મચ્છુ-2માં 1.51, ડેમી-1માં 0.46, ડેમી-2માં 2.46 ફૂટ નવાં નીરની આવક થઇ છે. જ્યારે જામનગર જિલ્લાના ફોફળ-2માં 1.51, રંગમતીમાં 7.55, ફૂલઝર(કો.બા.)માં 0.23, રૂપાવટીમાં 0.98 ફૂટ, દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 1.64, વર્તુ-1માં 1.31, શેઢા ભાડથરીમાં 2.13, વેરાડી-1માં 3.77, કાબરકામાં 0.49, વેરાડી-2માં 1.31, મીણસરમાં 2.13, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-1માં 0.10, વઢવાણ ભોગાવો-2માં 1.77, મોરસલમાં 0.82 ફૂટ નવાં નીરની આવક થઇ છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હસ્તકના 82 ડેમમાંથી 69 ડેમ સાઇટ પર વરસાદ પડ્યાનું નોંધાયું છે. જેમાં સૌથી વધુ મોરબીના મચ્છુ-1 અને દ્વારકાના સાની ડેમ પર 4-4 ઇંચ વરસાદ નોંધાયો હતો. (File photo)