બેંગ્લોરઃ પીએમ મોદીએ કર્ણાટકના યાદગીરના કોડેકલમાં સિંચાઈ, પીવાનાં પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં જલ જીવન મિશન અંતર્ગત યાદગીર મલ્ટી વિલેજ પીવાનાં પાણી પુરવઠા યોજના અને સુરત– ચેન્નાઈ એક્સપ્રેસવે એનએચ– 150સીના 65.5 કિલોમીટરનાં સેક્શન (બદાદલથી મરાદાગી એસ અંદોલા સુધી)નો શિલાન્યાસ તથા નારાયણપુર લેફ્ટ બૅન્ક કેનાલ – એક્સટેન્શન રિનોવેશન એન્ડ મૉડર્નાઇઝેશન પ્રોજેક્ટ (એનએલબીસી – ઇઆરએમ)નું ઉદ્ઘાટન સામેલ છે. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, 1.25 લાખ ખેડૂત પરિવારોને પીએમ કિસાન નિધિમાંથી આશરે 250 કરોડ રૂપિયા મળ્યા છે.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ કર્ણાટકના લોકોના પ્રેમ અને તેમનાં સમર્થન પર પ્રકાશ પાડ્યો હતો તથા કહ્યું હતું કે, તે કર્ણાટકની મોટી તાકાતનો સ્ત્રોત બની ગયો છે. યાદગીરના સમૃદ્ધ ઇતિહાસ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ રત્તીહલ્લીના પ્રાચીન કિલ્લા તરફ ધ્યાન દોર્યું, જે આપણા પૂર્વજોની ક્ષમતાઓનું પ્રતીક છે અને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે મહાન રાજા મહારાજા વેંકટપ્પા નાયકના વારસાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમના સ્વરાજ અને સુશાસનના વિચારની દેશભરમાં નોંધ લેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણે સૌ આ વારસા પર ગર્વ કરીએ છીએ.”
માર્ગો અને પાણી સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનું આજે લોકાર્પણ કે શિલાન્યાસ થયું હતું એ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરીને પીએમએ કહ્યું હતું કે, વિવિધ પ્રોજેક્ટ્સથી આ વિસ્તારના લોકોને મોટા પાયે લાભ થશે. સુરત ચેન્નાઈ કોરિડોરના કર્ણાટક હિસ્સામાં પણ આજે કામની શરૂઆત થઈ છે, જે ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતામાં વધારો કરશે અને યાદગીર, રાયચુર અને કાલબુરગી સહિતના વિસ્તારોમાં રોજગાર અને આર્થિક પ્રવૃત્તિમાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ઉત્તર કર્ણાટકમાં વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી.
પીએમએ યાદ અપાવ્યું હતું કે, આગામી 25 વર્ષ દેશ અને દરેક રાજ્ય માટે ‘અમૃત કાલ’ છે. “આપણે આ અમૃત કાલ દરમિયાન વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. આવું ત્યારે જ થઈ શકે છે જ્યારે દરેક વ્યક્તિ, પરિવાર અને રાજ્ય આ અભિયાન સાથે જોડાય. જ્યારે ખેતરમાં ખેડૂત અને ઉદ્યોગસાહસિકનું જીવન સુધરે ત્યારે ભારત વિકસિત થઈ શકે છે. જ્યારે સારો પાક હોય ત્યારે ભારત વિકસિત થઈ શકે છે, અને ફેક્ટરીનું ઉત્પાદન પણ વિસ્તૃત થાય છે. આ માટે ભૂતકાળના નકારાત્મક અનુભવો અને ખરાબ નીતિઓમાંથી શીખવાની જરૂર પડશે,” એમ તેમણે કહ્યું. ઉત્તર કર્ણાટકમાં યાદગીરનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ વિકાસના માર્ગે આ વિસ્તારમાં પ્રવર્તતા પછાતપણા પર વિલાપ વ્યક્ત કર્યો હતો.
આ વિસ્તારમાં ક્ષમતા હોવા છતાં, પીએમએ નોંધ્યું હતું કે ભૂતકાળની સરકારોએ યાદગીર અને આવા અન્ય જિલ્લાઓને પછાત જાહેર કરીને પોતાના હાથ ઊંચા કરી દીધા. તેમણે એ સમયને યાદ કર્યો જ્યારે ભૂતકાળની શાસક સરકારો વોટબૅન્કનાં રાજકારણમાં સામેલ થઈ હતી અને વીજળી, સડકમાર્ગો અને પાણી જેવાં પાયાનાં માળખા પર ધ્યાન આપતી નહોતી. વર્તમાન સરકારની પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનું ધ્યાન માત્ર વિકાસ પર કેન્દ્રિત છે, વોટ-બૅન્કની રાજનીતિ પર નહીં. પીએમએ કહ્યું હતું કે, “જો દેશનો એક જિલ્લો વિકાસના માપદંડોમાં પાછળ રહી જાય, તો પણ દેશ વિકસિત બની શકે નહીં.”
તેમણે નોંધ્યું હતું કે, હાલની સરકારે જ અતિ પછાત વિસ્તારોને પ્રાથમિકતાનાં ધોરણે હાથ ધર્યા અને યાદગીર સહિત 100 આકાંક્ષી ગામડાંઓનું અભિયાન શરૂ કર્યું હતું. પીએમએ આ વિસ્તારોમાં સુશાસન અને વિકાસ પર ભાર મૂકવાની નોંધ લીધી હતી અને માહિતી આપી હતી કે યાદગીરે 100 ટકા બાળકોને રસી આપી છે, કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જિલ્લાનાં તમામ ગામો માર્ગો દ્વારા જોડાયેલાં છે અને ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા માટે ગ્રામ પંચાયતમાં કોમન સેવા કેન્દ્રોની ઉપલબ્ધતા છે. પીએમએ કહ્યું હતું કે, “પછી તે શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય કે કનેક્ટિવિટી હોય, યાદગીર આકાંક્ષી જિલ્લાઓના કાર્યક્રમમાં ટોચનાં 10 પર્ફોર્મર્સમાં સામેલ છે.” પ્રધાનમંત્રીએ જનપ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટીતંત્રને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પીએમએ 21મી સદીના ભારતના વિકાસ માટે જળ સુરક્ષાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જે પીએમએ કહ્યું કે, ભારત- સરહદ, દરિયાકિનારા અને આંતરિક સુરક્ષા સાથે સમકક્ષ છે. તેમણે જણાવ્યું હતું કે, “ડબલ એન્જિન સરકાર સુવિધા અને સંચયના અભિગમ સાથે કામ કરી રહી છે.” તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં પડતર પડેલી 99 સિંચાઈ યોજનાઓમાંથી 50 યોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને યોજનાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
કર્ણાટકમાં પણ આવા ઘણા પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે. 10,000 ક્યુસેકની કેનાલ વહન ક્ષમતા સાથે નારાયણપુર લેફ્ટ બૅન્ક કેનાલ – એક્સ્ટેંશન રિનોવેશન એન્ડ મૉડર્નાઇઝેશન પ્રોજેક્ટ (એનએલબીસી – ઇઆરએમ) 4.5 લાખ હૅક્ટર કમાન્ડ એરિયાને સિંચાઈ કરી શકે છે, એમ તેમણે માહિતી આપી હતી. પીએમએ સૂક્ષ્મ સિંચાઈ અને ‘પર ડ્રોપ મોર ક્રોપ’ પર અભૂતપૂર્વ ધ્યાન કેન્દ્રિત કરવાની વાત પણ કરી હતી, કારણ કે છેલ્લાં 7-8 વર્ષમાં 70 લાખ હૅક્ટરથી વધારે જમીનને સૂક્ષ્મ સિંચાઈનાં દાયરામાં લાવવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે, આજના પ્રોજેક્ટથી કર્ણાટકમાં 5 લાખ હૅક્ટર જમીનને લાભ થશે અને પાણીનું સ્તર ઊંચું લાવવાનું કામ ચાલી રહ્યું છે.
ડબલ એન્જિન ધરાવતી સરકારે કરેલી કામગીરીનું ઉદાહરણ ટાંકીને પીએમએ નોંધ્યું હતું કે, જ્યારે સાડા ત્રણ વર્ષ અગાઉ જલ જીવન મિશન શરૂ થયું હતું, ત્યારે 18 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર ત્રણ કરોડ ગ્રામીણ પરિવારો પાસે પાઇપલાઇન મારફતે પાણીનું જોડાણ હતું. “આજે આ સંખ્યા વધીને 11 કરોડ ગ્રામીણ પરિવારો સુધી પહોંચી ગઈ છે,” પીએમએ વધુમાં જણાવ્યું હતું કે, “આમાંથી 35 લાખ પરિવારો કર્ણાટકનાં છે.” તેમણે નોંધ્યું હતું કે, યાદગીર અને રાયચુરમાં ઘરદીઠ પાણીનું કવરેજ કર્ણાટક અને દેશની એકંદર સરેરાશ કરતા વધારે છે.
આજે ઉદ્ઘાટન થયેલા વિવિધ પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યાદગીરમાં દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાના લક્ષ્યાંકને પ્રોત્સાહન મળશે. તેમણે માહિતી આપી હતી કે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતનાં જલ જીવન મિશનની અસરને કારણે દર વર્ષે 1.25 લાખથી વધુ બાળકોનું જીવન બચાવવામાં આવશે. હર ઘર જલ અભિયાનના ફાયદાઓની નોંધ લેતા પીએમએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 6,000 આપે છે અને કર્ણાટક સરકાર રૂ. 4,000 વધારે ઉમેરે છે, જે ખેડૂતો માટે બમણો લાભ આપે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “યાદગીરના આશરે 1.25 લાખ ખેડૂત પરિવારોને પીએમ કિસાન નિધિમાંથી આશરે 250 કરોડ રૂપિયા મળ્યા છે.”
ડબલ એન્જિન સરકારની લય વિશે વધુ જણાવતાં પીએમએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ શરૂ કરી છે, ત્યારે કર્ણાટક સરકાર વિદ્યા નિધિ યોજનાઓ મારફતે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરી રહી છે, કારણ કે કેન્દ્ર સરકાર પ્રગતિનાં ચક્રને ગતિમાન રાખે છે, કર્ણાટક રાજ્યને રોકાણકારો માટે આકર્ષક બનાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “કર્ણાટક સરકાર મુદ્રા યોજના હેઠળ વણકરોને વધુ મદદ કરીને તેમને કેન્દ્રની મદદમાં વધારો કરે છે.”
પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ, વર્ગ કે પ્રદેશ આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ વંચિત રહી જાય છે, તો વર્તમાન સરકાર તેમને મહત્તમ પ્રાથમિકતા આપી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, આપણા દેશમાં કરોડો નાના ખેડૂતો પણ દાયકાઓ સુધી દરેક સુવિધાથી વંચિત રહ્યા છે અને સરકારી નીતિઓમાં પણ કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. પીએમએ કહ્યું હતું કે, આજે આ નાનો ખેડૂત દેશની કૃષિ નીતિની સૌથી મોટી પ્રાથમિકતા છે. પીએમએ ખેડૂતોને મશીનરીમાં મદદ કરવા, તેમને ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજી તરફ લઈ જવા, નેનો યુરિયા જેવાં રાસાયણિક ખાતરો પૂરાં પાડવાં, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા, નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા અને પશુપાલન, મત્સ્યપાલન અને મધમાખી ઉછેરને ટેકો આપવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં.
પીએમએ આ વિસ્તારને પલ્સ બાઉલ બનાવવા અને આ વિસ્તારમાં વિદેશી નિર્ભરતા ઘટાડવામાં દેશને મદદ કરવા બદલ સ્થાનિક ખેડૂતોની પ્રશંસા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 8 વર્ષમાં એમએસપી હેઠળ 80 ગણી વધારે દાળ-કઠોળની ખરીદી થઈ છે. પલ્સ ખેડૂતોને 2014 પહેલા જૂજ સો કરોડ રૂપિયા હતા એની સરખામણીએ છેલ્લાં 8 વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયા મળ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી આપતાં પીએમએ નોંધ્યું હતું કે, કર્ણાટકમાં જુવાર અને રાગી જેવાં બરછટ અનાજનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર આ પોષક બરછટ અનાજનું ઉત્પાદન વધારવા અને દુનિયાભરમાં તેને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કર્ણાટકના ખેડૂતો આ પહેલને આગળ વધારવામાં અગ્રણી ભૂમિકા અદા કરશે.