નારીશક્તિ વંદના કાર્યક્રમમાં CMના હસ્તે સ્વસહાય જુથોની 1.30 લાખ મહિલાઓને સહાય ચૂકવાઈ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત – વિકસિત ગુજરાત અંતર્ગત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં 13 હજારથી વધુ સ્વ સહાય જૂથોની 1.30 લાખથી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય યોજનાકીય સહાયના લાભ પણ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસાતમાં નારીશક્તિ વંદના ઉત્સવમાં કરેલા પ્રેરણાદાયી સંબોધનનું સમગ્ર ગુજરાતમાં યોજાયેલા કાર્યક્રમમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પાછલા દસકામાં મહિલા કલ્યાણલક્ષી અનેક પગલાં લેવાયા છે. માતૃશક્તિને સક્ષમ અને અસરકારક બનાવવા યોજનાઓનો અસરકારક અમલ થયો છે. મહિલાઓ વધુ સફળ અને પ્રગતિશીલ બની છે. મહિલાઓને સશક્તિકરણના પ્રહરીમાં પરિવર્તિત કરી છે. આજે મહિલા વિકાસ નહીં, પણ મહિલા સંચાલિત વિકાસની ગેરંટી છે. સમગ્ર દેશમાં 30 કરોડ માતાઓ બહેનો મુદ્રા લોનથી લાભાન્વિત થઈ છે. 3.12 કરોડ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખૂલ્યા છે. મહિલા ઉદ્યોગકારોની સંખ્યા પણ ઉત્તરો ઉત્તર વધી છે. દેશના અડધા ભાગના સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલા શક્તિ કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નારિશક્તિ વંદનાનો આ કાર્યક્રમ રાજ્યની લાખો બહેનોને સખીમંડળ થકી લખપતિ દીદી બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીનો વિકાસ ઉત્સવ છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓના ઉત્થાન માટે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની શરૂ કરાવીને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની દિશામાં વ્યવસ્થા શરૂ કરાવી હતી. રાજ્ય સરકારે ગ્રામીણ મહિલાઓને મદદરૂપ થવા માટે સખીમંડળો થકી બહેનોના હાથમાં કરોડોનો કારોબાર સોંપ્યો છે. સખીમંડળ દ્વારા રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશ ક્રેડિટ આપવામાં આવે છે.
મહિલાઓની ભાગીદારીથી ગુજરાતનું ડેરી સેક્ટર દુનિયાનું સૌથી મોટું કો-ઓપરેટિવ મુવમેન્ટ બની ગયું છે. ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દૂધ ઉત્પાદનથી કરોડો રૂપિયા કમાય છે. આજે નારી શક્તિ વંદના ઉત્સવ કરીને આપણે આ તમામ માતા બહેનોનું ગૌરવ કરી રહ્યા છીએ.