વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને કોરોનાના સંક્રમણને કારણે તા.11 એપ્રિલ 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા તમામ મંદિરો ભાવિકોના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવજીનું મંદિર પણ તા 11 જૂન 2021થી નિયમો હળવા થતાં દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું. અને જૂન 2021ના માત્ર 20 દિવસમાં જ 1.43 લાખ ભાવિકોએ મહાદેવજીના દર્શન કરી ધન્ય બન્યા હતા.
યાત્રાધામ સોમનાથ મહાદેવજીના મંદિરમાં રોજબરોજ અનેક ભાવિકો દર્શન માટે આવે છે. પણ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા તમામ મંદિરો ભાવિકોના દર્શન માટે બંધ કરાયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓની સેવા માટે ટિફિનથી લઈને અનેક સેવાઓ શરૂ કરી હતી. તેમજ ભાવિકો ઓનલાઈન દાદાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા હતા. અને તમામ મંદિરો ભાવિકોના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખોલી દેવાતા હવે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે. જૂન 2021માં દર્શનાર્થીઓમાં 85,519નો વધારો થયો છે જેનો સમગ્ર યશ સોમનાથ ટ્રસ્ટે કોરોના સાવચેતી ગોઠવેલી વ્યવસ્થાઓ-લોકજાગૃતિ-સ્વાસ્થય સભાનતા મુખ્ય છે.