દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ફરીથી ઘટાડો થઈ રહ્યો છે. જો કે, મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 1.49 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 2.59 લાખ જેટલા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા હતા. 24 કલાકમાં કોરોના મહામારીમાં 1072 દર્દીઓના મોત થયાં હતા. બીજી તરફ રસીકરણ અભિયાન હેઠળ ત્યાર સુધીમાં 90 ટકાથી વધારે લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર હાલ દેશમાં કોરોનાના લગભગ 14.36 લાખ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે લોકો કોરોનાને હરાવીને સાજા થયાં છે. તેમજ અત્યાર સુધીમાં 73.58 કરોડ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 24 કલાકમાં 16.12 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવીટી દર 12.03 ટકા છે અને રોજનો પોઝિટીવીટી દર 9.27 ટકા છે. હાલ દેશનો કોરોના રિકવરી રેટ 95.39 ટકા પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાકમાં 55,58,760 લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં કુલ 168.47 કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચુક્યા છે. દેશના 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ હિમાચલ પ્રદેશ, ગોવા, લક્ષદ્વિપ, અંદમાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે દેશમાં 96 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે.