અમદાવાદઃ ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનોરો ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે ગુજરાતના દરિયા મારફતે નશીલા દ્રવ્યો ઘુસાડતા હોવાનું અગાઉ સામે આવ્યું છે. અવાર-નવાર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમોએ કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. દરમિયાન કચ્છના દરિયા અને દરિયાકાંઠા વિસ્તારમાંથી બે વર્ષના સમયગાળામાં 1.6 ટનથી વધારે નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ સુરક્ષા એજન્સીઓથી બચવા માટે નવા-નવા પેતરા અજમાવે છે. યુરિયા અને કોફીના નામે ઘુસાડવાનો પ્રયાસ કરે છે. કોફિ અને યુરિયાની બેગમાં નશીલા દ્રવ્યો મુકવામાં આવે છે. પાકિસ્તાનના વિવિધ બંદરોથી ડ્રગ્સ માફિયાઓ સાગરિતોને મારફતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનથી નીકળેલી બોડને ગુજરાતના દરિયામાં અન્ય બોડમાં આ નશીલા દ્રવ્યો પહોંચાડવાની સૂચના આપવામાં આવે છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ પણ પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની મેલી મુરાદને નિષ્ફળ બનાવવા માટે સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના 50 કિલોમીટરના વિસ્તારમાં વિવિધ એજન્સીઓ દ્વારા બે વર્ષના સમયગાળામાં નશીલા દ્રવ્યોના કુલ 1627 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. દરેક પેકેટમાં અંદાજે 1 કિલો માદક દ્રવ્યોનો સમાવેશ થતો હતો, જે ડ્રગની કુલ જપ્તી ૧.૬ ટનથી વધુ થઈ હોવાનું મનાઈ રહ્યું છે. તાજેતરમાં જ ભારતીય સુરક્ષા એજન્સીઓએ કચ્છના જખૌ નજીકથી પાકિસ્તાની બોડ સાથે સાતેક પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. આ પાકિસ્તાની નાગરિકોએ સુરક્ષા એજન્સીઓને જોઈને પોતાની પાસેનો ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.
(PHOTO-FILE)