દેશના બાયોટેક કિસાન યોજના હેઠળ 1.60 લાખ ખેડૂતોને લાભ મળ્યો
નવી દિલ્હીઃ દેશમાં ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતોને આર્થિક સહાયની સાથે તેમના પાકને પુરતા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ઘઉં, ચોખા, કપાસ, કઠોળ અને મગફળી સહિતના પાકની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન દેશના 1.60 લાખ ખેડૂતોને બાયોટેક કિસાન યોજના હેઠળ લાભ મળ્યો છે. દેશના ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળવી શકે તે માટે મોદી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), વડાપ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ ડૉ. જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે એક વર્ષ (જાન્યુઆરી 2022-ડિસેમ્બર 2022)માં 1. 60 લાખ ખેડૂતોને બાયોટેક કિસાન યોજના હેઠળ લાભ મળ્યો છે. આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બાયોટેક કિસાન યોજના ખેડૂતોને પાણી, માટી, બિયારણ અને માર્કેટિંગ સંબંધિત સમસ્યાઓ પર પરામર્શ અને ઉકેલ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સુધારેલા બિયારણો, શાકભાજીના વાવેતરનો સ્ટોક, છોડના વિકાસને પ્રોત્સાહન આપતા રાઈઝોબેક્ટેરિયા (PGPR)/જૈવિક ખાતરોના ઉપયોગ માટે હસ્તક્ષેપ, સિંચાઈ અને સંરક્ષિત ખેતીની તકનીકો, સુધારેલ પશુધન (બકરી, ડુક્કર) પરામર્શ અને નિદર્શન વિશે સલાહ આપવામાં આવે છે. મરઘાં અને મત્સ્યપાલન સાથે પશુધન/મરઘાંના આરોગ્ય વ્યવસ્થાપન પર પ્રદાન કરવામાં આવે છે.