Site icon Revoi.in

ગુજરાતમાં 5 વર્ષમાં 1.71 લાખ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો, જેન્ડર રેસિયામાં પણ પાછળઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં પાંચ વર્ષમાં 1,71,325  મહિલાઓનાં કાયદેસર ગર્ભપાત કરાવ્યો છે. કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા ચોંકાવનારા આંકડા મુજબ માત્ર વર્ષ 2021-22માં સમગ્ર દેશમાં 13,65,096 જેટલી મહિલાઓનો ગર્ભપાત થયો હતો. જેમાં ગુજરાતમાં વર્ષ  2021-22માં જ 30187 મહિલાઓનો ગર્ભપાત કરવામાં આવ્યો છે. રાજ્યમાં પાંચ વર્ષમાં 1,71,325 મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો છે. તેમ કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું.

તેમણે  વધુ જણાવ્યું હતું કે, સરકારી ચોપડે આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલા ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલા ચોકાવનાર અને મોટા હશે?  જે અત્યંત ચિંતાજનક અને ચોકાવનાર બાબત છે. રાજ્યમાં વર્ષ 2016-17માં 28204,  વર્ષ 2017-18માં 42391, વર્ષ 2018-19માં 41883,  વર્ષ 2019-20માં 28660,  અને વર્ષ  2021-22માં 30187  જેટલી મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો હતો. ગુજરાતમાં 1000 પુરુષે 919 મહિલા દર્શાવે છે કે જેન્ડર રેશિયામાં પાછળ છીએ. નબળી આર્થિક પરિસ્થિતિ, શારીરિક બીમારી, ગર્ભમાં બાળકમાં ઓછો વિકાસ, ફેમેલી પ્લાનિંગનો અભાવ, પ્રેગ્નન્સી વખતે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવી, સામાજિક કારણો સહિતનાં અન્ય કારણોસર ગર્ભપાત કરાવવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય અને અજાત બાળકની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો અંતર્ગત વર્ષ 2022-23માં 811 કરોડ અને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પાંચ વર્ષમાં  8051.63 કરોડ રૂપિયા જેટલો અધધ ખર્ચ બાદ પણ રાજ્યમાં મહિલાઓનાં ગર્ભપાત કરવામાં કિસ્સાઓ વધી રહ્યા છે. જે ગુજરાત માટે ચિંતાની બાબત છે.ગુજરાતમાં મોટી સંખ્યામાં થઇ રહેલા ગર્ભપાત અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, ગર્ભપાતના કિસ્સા અટકાવા માટે સામાજિક જાગૃતિ માટે છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓની પણ પ્રેગનન્સી સુરક્ષિત થાય તે અંગે ભાજપ સરકાર નક્કર કામગીરી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.