ભૂજઃ કચ્છના બન્ની વિસ્તારના ઘાંસના મેદાનોમાં વર્ષો પહેલા ચિત્તાઓનો વસવાટ હતો. કાળક્રમે ચિત્તાઓ નાશ પામ્યા હતા. હવે સરકારે બન્નીના ઘાંસિયા મેદાનમાં ચિત્તાના વસવાટની યોજના બનાવી છે. મધ્ય પ્રદેશના કુનો બાદ ગુજરાતનું કચ્છ ચિત્તાનું બીજું ઘર બનશે. ડિસેમ્બર 2024 સુધી 10 ચિત્તાઓને હવાઈમાર્ગે કચ્છમાં લાવવામાં આવશે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા ગુજરાતમાં કચ્છ સહિતના વિસ્તારોમાં ચિત્તા જોવા મળતા હતા. ગુજરાતમાં નહીં પણ દેશમાં કાળક્રમે ચિત્તાની વસતી ઘટતી ગઈ અને 1952માં દેશમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું હતું. ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં ચિત્તાની હાજરી નોંધાઈ હતી. જો કે કચ્છમાં 1839 અને 1872માં ચિત્તાનો રેકોર્ડ નોંધાયેલો છે. હવે કચ્છના બન્નીના ઘાસીયા મેદાનમાં 152 વર્ષ બાદ ચિત્તાઓ વિચરતા જોવા મળશે. 500 હેક્ટરના વિસ્તારમાં એન્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે. આ સંવર્ધન કેન્દ્રમાં 8 ક્વોરેન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવશે. 50 દિવસ સુધી અહીં લવાયેલા ચિત્તાને ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે બાદમાં ત્યાં જ અંદર સોફ્ટ રિલીઝ કરાશે. 4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વન વિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. ચોકીદાર, ટ્રેકર અને પશુ ડોક્ટર સહીત સ્ટાફ મોનીટરીંગ માટે મૂકવામાં આવશે. રેડિયોકોલર ટેગ લગાવી વન્ય જીવની હલચલ પર પળેપળની નજર રહેશે. સુવ્યવસ્થિત સંચાલન માટે ટૂંક સમયમાં એસીએફ, આરએફઓ, વનપાલ અને વનરક્ષક સહિતના સ્ટાફને મુલાકાત માટે કુનો મોકલવામાં આવશે.
વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓના વસવાટ માટે હાલ કેન્દ્ર સરકારમાંથી તમામ મંજૂરી મળી ગઈ છે. ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતમાં ચિત્તા આવી જશે. કુનોની સરખામણીએ બન્નીનું ઘાસિયુંમેદાન આફ્રિકાના વિશ્વપ્રખ્યાત સવાના ઘાસિયા મેદાન જેવું છે. એટલે ચિત્તાને વધુ અનૂકૂળ આવશે. હાલ અહીં મીઠા વૃક્ષોનું વાવેતર પણ કરી દેવાયું છે. NTCA ના ઉચ્ચ અધિકારી ગોવિંદ ભારદ્વાજે પણ તાજેતરમાં બન્નીની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. ચિત્તા માટે અહીં ચિંકારા બ્રીડીંગ સેન્ટર પણ બનાવાયું છે, તો તેમને ગરમી ન થાય તે માટે શેડની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે બંધ પાંજરામાં ચિત્તાનો ઉછેર થશે એટલે સ્થાનિક ઢોર કે પશુપાલકોને કોઈ જ તકલીફ પણ નહિ પડે. બન્નીના ભગાડિયા વિસ્તારમાં આ ચિત્તા બ્રીડિંગ સેન્ટરમાં પાંજરાની અંદર ઉછેર કરાશે. જેમાં પાણીના પોઇન્ટ, વન તળાવ, આર્ટિફિશિયલ શેડ, ચિત્તાને બેસી અને નિરીક્ષણ કરવા માટે માઉન્ટ એટલે ટેકરો સહીત સુવિધાઓ વિકસાવવામાં આવશે.