અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેજાદ પઠાણની પસંદગીના મામલે કોંગીના10 કોર્પોરેટરોના રાજીનામાં !
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીને મહિનાઓ વીતિ ગયા બાદ કોંગ્રેસ વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શક્યુ નહતું. કોંગ્રેસના શહેરના ધારાસભ્યો પોતાના કોર્પોરેટરને વિપક્ષના નેતા બનાવવા માગતા મડાગાઠ સર્જાઈ હતી. આ મામલો પ્રભારીથી પણ ન ઉકેલાતા આખરે હાઈકમાન્ડ સમક્ષ ગયો હતો. આખરે મ્યુનિના વિપક્ષના નેતા તરીકે શહેજાદ પઠાણની પસંદગી કરાતા કોંગ્રેસના 10 કોર્પોરેટરે રાજીનામાંની ધમકી આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ આજે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળીને રાજીનામા આપી દીધા હતા. પાર્ટી દ્વારા શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે પહેલા એક વર્ષ માટે બનાવવાનો નિર્ણય લીધો હોવા સાથે 10 કાઉન્સિલરોનો વિરોધનો સૂર ઉઠ્યો છે. જેના પગલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જેને પગલે કુલ 24 કોર્પોરેટરમાંથી 10 કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા છે તેમા 4 મુસ્લિમ તેમજ 5 મહિલા કોર્પોરેટરો સામેલ છે.
કોંગ્રેસના નેતા અને નિરિક્ષક સી.જે ચાવડાએ કોંગ્રેસના કોર્પોરેટરના રાજીનામા અને વિપક્ષના નેતા બનાવવા મામલે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા બનાવવા માટે કોઈને મેન્ડેટ આપવામાં આવ્યું નથી કે નામ નક્કી કરવામાં આવ્યું નથી. શહેરના નેતા, કાઉન્સિલરો વગેરેને અમે સાંભળ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં એક વર્ષ વીતિ ગયું છતાં વિપક્ષના નેતા નક્કી કરી શકતી નથી. સત્તા નથી છતાંપણ આટલી ખેંચતાણ ચાલી રહી છે. તો સત્તા હોય તો શુ થાય એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.