Site icon Revoi.in

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતા વધારવા રૂપિયા 10 કરોડનો ખર્ચ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ શહેરીજનો માટે ફરવા માટેનું આકર્ષક સ્થળ બની ગયું છે. રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ફુટ બ્રિજ સહિત અનેક આકર્ષણો છે. રિવરફ્રન્ટ દર વર્ષે પતંગોત્સવ સહિત ઉત્સવો પણ ઊજવાતા હોય છે. હવે રિવરફ્રન્ટની સુંદરતા વધારવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં આકર્ષક રંગબેરંગી લાઈટ્સ,ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટેન સહિતના આકર્ષણો ઊભા કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટને વધુ સુંદર બનાવવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. રિવરફ્રન્ટ પર મુલાકાતઓની સંખ્યામાં વધારો થાય અને લોકો હવે રાતના સમયે પણ રિવરફ્રન્ટની મજા માણી શકે તેના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. કુલ 10 કરોડના ખર્ચે આ બંને સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ માટે ટેન્ડર પણ જારી કરી દેવામાં આવ્યા છે.  બન્ને સુવિધા ઊભી કરાતા રાત્રે રિવરફ્રન્ટનો અનોખો નજારો જોવા મળશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને વધુ સારું નજરાણું અને ફરવા માટે વધુ આકર્ષણો મળે તે હેતુથી હવે ગ્લો ગાર્ડન બનાવાશે. સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર પાર્કમાં 3.5 કરોડના ખર્ચે લાઇટિંગ સાથેનું ગાર્ડન બનાવવામાં આવશે. વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી તૈયાર કરાશે. જુદી જુદી થીમ પર પ્રાણી-પક્ષી, વૃક્ષ, કાર્ટૂન પાત્ર સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવશે. આ ગ્લો ગાર્ડન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડનની સાથે  મ્યુઝિકલ ફાઉન્ટેન પણ બનાવાશે. મ્યુઝિકલ લાઈટ એન્ડ સો સાથે આ મ્યુઝિકલ ફાઉન્ટેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાબરમતી અટલ ફૂટ ઓવર બ્રિજ નજીક આ મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. મ્યુઝિકલ ફાઉન્ટેનમાં રંગબેરંગી લાઈટો સાઉન્ડ સિસ્ટમ સાથે પાણીની છોડો ઉછળે તેવા અદભુત નજારાને હવે લોકો માણી શકશે. સાબરમતી નદીના પાણી અને 400 નોઝલ સાથે રૂપિયા 6 કરોડના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવા માટે ટેન્ડર જારી કરાયા છે. (FILE PHOTO)