ગાંધીનગરઃ શહેરમાં નાગરિકો મ્યુનિ.નો વેરો ન ભરે તો તેને નોટિસ આપીને પગલાં ભરવામાં આવતા હોય છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં જ અનેક સરકારી મિલ્કતોનો વેરો બાકી બોલે છે. જેમાં નવા સચિવાલયનો સમાવેશ થાય છે. છેલ્લા 10 વર્ષથી નવા સચિવાલયનો વેરો ભરવામાં આવ્યો છે. અને 10 કરોડ જેટલી રકમ બાકી બોલે છે. નવા સચિવાલયમાં મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બેસતા હોવાથી મ્યુનિનું તંત્ર કોઈ પગલાં પણ લઈ શકતું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને નાણાકીય વર્ષ 2022-23ના વર્ષમાં અત્યાર સુધી પ્રોપર્ટી ટેક્સની 40 કરોડથી વધુ આવક થઈ છે. ગાંધીનગર શહેરના નવા-જુના વિસ્તાર મળીને રેસિડેન્ટ તથા કોમર્શિયલ મળીને 1.74 લાખ જેટલી પ્રોપર્ટી છે. જોકે આ પ્રોપર્ટીમાંથી પાટનગર યોજના વિભાગ હસ્તક આવતી પ્રોપર્ટીનો ટેક્સ મનપાને મળતો નથી. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી લેણા માટે નાગરિકોને નોટિસો આપીને વેરો વસૂલ કરવામાં આવે છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશનને પોતાના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ, આવાસ સહિતનો 40 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સનું લેણું બાકી બોલે છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની સ્થાપના સમયથી જ જૂના સચિવાયલ, નવા સચિવાયલ, રાજભવ, સીએમ હાઉસ, મંત્રી નિવાસ અને જિલ્લાની કચેરીઓનો પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી. સામાન્ય નાગરિકો પાસેથી 18 ટકાનું વ્યાજ અને જરૂર પડે તો મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ સરકારી કચેરીઓ-આવાસોના બાકી વેરા મુદ્દે મ્યુનિ. કોર્પોરેશન પત્ર વ્યવહાર સિવાય કઈ કરી શકે તેમ નથી. જેને પગલે હાલ બાકી વેરાનો આંકડો 40 કરોડ પહોંચી ગયો છે. જેમાં જ્યાં બેસીને સરકાર રાજ્યનું સંચાલન કરે છે તેવા નવા સચિવાયલનો 10 કરોડથી વધુ, જૂના સચિવાયલનો 4 કરોડથી વધુ, આર એન્ડ બી હસ્તકની ઓફીસોનો 5 કરોડથી વધુ, સરકારી આવાસોનો 19 કરોડથી વધુ વેરો હાલ બાકી બોલે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વખતો-વખત પાટનગર યોજના વિભાગને પત્ર લખીને બાકી લેણા માટે ટહેલ નાખી હતી. જોકે દર વખતે મિલકત વેરો ભરવાનો થતો ન હોવાનો જવાબ મળે છે. અગાઉની સરકારના સમયે સરકારી પ્રોપર્ટીઓનો મિલકત વેરો નહીં ભરવા અંગે ફાઈલ પર લખી દેવાયું હતું, જેને પગલે હાલ તો મ્યુનિ.કોર્પોરેશનને કરોડોના ફટકો પડ્યો છે. જો કે ગાંધીનગર શહેરમાં ગટર-પાણી અને સ્ટ્રીટ લાઈટની જવાબદારી પાટનગર યોજના વિભાગ સંભાળે છે. જેના પૈસા કોર્પોરેશન પાસેથી લેવામાં આવતા નથી, બીજી તરફ સરકારી મિલકતોની નિભાવણી પણ પાટનગર યોજના વિભાગ દ્વારા જ કરાય છે.
સૂત્રોએ કહ્યું હતું કે, ગાંધીનગર કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2023-24માં પ્રોપર્ટી ટેક્સમાંથી 45 કરોડની આવકનો અંદાજ લગાવાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં મનપાને પ્રોપર્ટી ટેક્સની 14.18 કરોડની આવક થઈ હતી. જે 2020-21માં વધીને 21.37 કરોડ જ્યારે વર્ષ, 2021-22માં 27.48 કરોડની આવક થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં પ્રોપર્ટી ટેક્સની 40.43 કરોડ જેટલી આવક થઈ છે, જે 31 માર્ચ 2023 સુધીમાં 42 કરોડ જેટલી થાય તેવો અંદાજ લગાવાયો છે. મનપાની રચના થઇ ત્યારથી નવા સચિવાલયનો વેરો બાકી છે.