Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

Social Share

મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં ટ્રક અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 મજૂરોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મિર્ઝાપુરના પોલીસ અધિક્ષક (એસપી) અભિનંદને જણાવ્યું કે, આ અકસ્માત મિર્ઝાપુર-વારાણસી બોર્ડર પર કચવાન અને મિર્ઝામુરાદ વચ્ચે જીટી રોડ પર સર્જાયો છે.

એસપીએ જણાવ્યું હતું કે, “ટ્રેક્ટર-ટ્રોલીમાં 13 મજૂરો હતા જેઓ ભદોહી જિલ્લામાં બાંધકામનું કામ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. ઇટાહ જિલ્લામાંથી આવી રહેલી ટ્રકમાં કાચના પતરા ભરેલા હતા. ટ્રકનો ચાલક અને હેલ્પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. માહિતી મળતા જ એસપી અભિનંદન અને અન્ય અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

એસપીએ જણાવ્યું કે ટ્રેક્ટર-ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા 13 લોકોમાંથી 10ના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક વારાણસીના ટ્રોમા સેન્ટર (કાશી હિન્દુ યુનિવર્સિટી)માં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં ભાનુ પ્રતાપ (ઉ.વ. 25), વિકાસ કુમાર (ઉ.વ 20), અનિલ કુમાર (ઉ.વ 35), સૂરજ કુમાર (ઉ.વ 22), સનોહર (ઉ.વ 25), રાકેશ કુમાર (ઉ.વ 25) અને પ્રેમ કુમાર (ઉ.વ 40)ના મુત્યુ થયાં છે. પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.