ભોપાલઃ મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં સરેરાશ કરતાં 8% ઓછો વરસાદ થયો છે, પરંતુ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં સરેરાશ કરતાં 15% વધુ વરસાદ થયો છે. આમ એમપીમાં સામાન્ય કરતાં 4% વધુ વરસાદ નોંધાયો છે. આમ છતાં એમપીના 10 જિલ્લા હજુ પણ તરસ્યા છે. આ 10 જિલ્લામાં ઓછો વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયાં છે.
1 જૂનથી 31 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય અને સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. આ બે મહિનામાં સૌથી વધુ વરસાદ બુરહાનપુરમાં નોંધાયો છે. જ્યાં સામાન્ય કરતાં 64% વધુ વરસાદ થયો છે. આ સિવાય ઈન્દોરમાં સામાન્ય કરતાં 63% વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નીમચ, રતલામ, ઉજ્જૈન, શાજાપુર, દેવાસ, હરદા, સિહોર, છિંદવાડા, નરસિંહપુર, સિઓનીમાં પણ સામાન્ય કરતા 20 થી 50% વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
1 જૂનથી 31 જુલાઈ સુધી મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર, ધાર, બરવાની, ખરગોન, ખંડવા, બેતુલ, નર્મદાપુરમ, રાયસેન, ભોપાલ, રાજગઢ, અગર માલવા, મંદસૌર સહિત મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વિદિશા, ગુના, શિવપુરી, સાગર, મોરેના, ગ્વાલિયર, દાતિયા, કટની, ઉમરિયા, જબલપુર, શહડોલ, મંડલા, બાલાઘાટ, ડિંડોરી, અનુપપુરમાં સારો વરસાદ વરસી ચુક્યો છે.
મધ્યપ્રદેશમાં એવા 10 જિલ્લાઓ છે જ્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં અશોકનગર 35%, ટીકમગઢ 28, છતરપુર 23, દમોહ 30, પન્ના 29, સતના 48, રીવા 40, સીધી 36, સિંગરૌલીમાં 28% ઓછો વરસાદ નોંધાયો છે. આ જિલ્લાઓમાં હજુ પણ વરસાદની જરૂર છે.