- મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા, 6ની ડેડબોડી મળી, 4ની શોધખોળ,
- નાનાએવા ગામમાં ડુબી જવાની ઘટનાથી માતમ છવાયો,
- છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ડૂબી જવાના 3 બનાવોમાં 10ના મોત
ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે આજે ગણેશ વિસર્જન માટે મેશ્વો નદીમાં ગયેલા 10 યુવાનો ડૂબી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 6 યુવાનોના મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબી જતા 6 યુવાનોના મોત થયા છે જ્યારે અન્ય ચારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ત્રીજી દુર્ઘટના છે 6ણ બનાવોમાં કુલ 10 લોકોના મોત નીપજી ચૂક્યા છે. બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના જ્યારે જૂનાગઢમાં 1 યુવકનું મોત નિપજ્યું હતું.
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશ વિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા. જેની જાણ થતા જ દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને બહીયલ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 6 ડેડબોડી મળી આવી હતી. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા યુવાનો વિસર્જન થાય એ પહેલા જ નદીમાં ગરકાવ થઈ ગયાં હતાં. અત્યારે ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ તંત્ર તેમજ તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. આ સાથે ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડતા ભારે શોકનો માહોલ છવાયો છે. ગણપતિ વિસર્જનની ઘટના શોકમાં ફેરવાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે.