અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ મોટરકાર ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા હાઈવે નડિયાદ નજીકથી અમદાવાદ પાર્સિંગની કાર પસાર થઈ રહી હતી. દરમિયાન કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ દૂર્ઘટનાને પગલે કારના સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બનાવમાં ઘટના સ્થળે જ આઠ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આમ મૃત્યુઆંક વધીને 10 ઉપર પહોંચ્યો હતો. અકસ્માતના પગલે માર્ગ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. હજુ એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક તપાસમાં અકસ્માતગ્રસ્ત મોટરકાર અમદાવાદ પાર્સિંગની હોવાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત આરટીઓમાં આ કાર કરણ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત મૃતકોની ઓળખ મેળવવા ચક્રોગતિમાન કર્યાં છે. આ બનાવની જાણ થતા જ જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.