Site icon Revoi.in

તારાપુર હાઈવે પર ભાવનગર જતી ઈકો કાર ટ્રક સાથે અથડાતાં એક બાળકી સહિત 10નાં મોત

Social Share

નડિયાદઃ અકસ્માતો માટે જાણીતા તારાપુર હાઈવે પર વધુ એક ગોઝારો અકસ્માતે 10નો ભોગ લીધો છે. આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક આજે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં હતા. ઈકો કારમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યામુજબ વડોદરા-વટામણ ચોકડી હાઈવે પર તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની સર્જાયો હતો. સુરતથી ભાવનગર જતી ઇકો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં કારમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે તારાપુર હાઈવે પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. . ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી હતી તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે પુરફાટ ઝડપે આવેલી ઈકો કાર ધડાકા સાથે ટ્રક સાથે અથડાઈ હતી. ઈકોકારમાં મુસાફરી કરી રહેલા તમામ 10 મુસાફરોના મોત થયા હતા. જોકે હાલ આ પરિવાર કોણ છે એની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો અને તમામ મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઈકો કાર સુરતથી ભાવનગર જતી હતી.