વડોદરાઃ રાજ્યના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે વડોદરા નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.ડેડ બોડીઓ કોલ્ડરૂમમા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે. આ બનાવમાં વિરપાલસિહ ચાવડા નામના છકડા ચાલક સહિત 5ની ઓળખ થઇ છે. અન્ય અજાણ્યા મૃતદેહોના પરિવારજનોને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, વડોદરાના ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપૂરાઈ તરફ જતા હતા ત્યારે દરજીપુરા પાસે કન્ટેનરના ચાલકે પૂરફાટ ઝડપે આવતા કારને બચાવવા જતા કન્ટેનર પરથી કાબુ ગુમાવ્યો હતો. અને કન્ટેનર રોંગ સાઈડ પર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો, છકડોરિક્ષામાં બેઠેલા 10 પેસેન્જરોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પગલે વાહનચાલકો અટવાઇ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકને પૂર્વવત્ કર્યો હતો.
વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર, નાયબ પોલીસ કમિશનર ઝોન-4 પન્નાબેન મોમાયા, અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યાં હતા.