1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરમાં અર્બુદા માતાજી મંદિરના રજત જ્યંતિ મહોત્સવમાં 10 લાખ લોકો ઉમટી પડશે
પાલનપુરમાં અર્બુદા માતાજી મંદિરના રજત જ્યંતિ મહોત્સવમાં 10 લાખ લોકો ઉમટી પડશે

પાલનપુરમાં અર્બુદા માતાજી મંદિરના રજત જ્યંતિ મહોત્સવમાં 10 લાખ લોકો ઉમટી પડશે

0
Social Share

પાલનપુરઃ શહેરના  આદર્શ વિદ્યાલય ખાતે આવેલા મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં  આવતીકાલ તા. 3જી થી 5મી ફેબ્રુઆરી દરમિયાન રજત જયંતી મહોત્સવ ઉજવાશે. આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આ યજ્ઞમાં 600 ભૂદેવ ઉપસ્થિત રહેશે અને 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. જ્યારે એકસાથે 10 લાખ ચૌધરી સમાજના લોકો ભેગા થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અર્બુદા માતાજીનો આ પ્રસંગ દીપી ઊઠે એ માટે છેલ્લા 45 દિવસની  ચૌધરી સમાજના લોકોએ સતત મહેનત કરી 100 એકર જમીનમાં 7 માળની યજ્ઞ શાળા બનાવી છે. આ યજ્ઞશાળામાં દેશી ગાયનાં છાણ અને ગંગાજળ તેમજ માટીથી લીંપણ કરાયું છે. આ લીંપણ કરવા જિલ્લામાંથી 5 હજારથી વધુ બહેનોનો ફાળો છે. યજ્ઞમાં આવનારા લોકોને વાહન પાર્ક કરવા દાતાઓએ 450 એકરથી વધુ જમીન પણ આપી છે, જેમાં કોઈને વાહન લેવા કે મૂકવામાં તકલીફ ન પડે એવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે. અશક્ત અથવા ઉંમરલાયક વ્યક્તિઓને રિક્ષામા યજ્ઞ સ્થળના દરવાજા સુધી લાવવાની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે બનાસ મેડિકલ કોલેજ તરફથી આઈસીયુ સાથેની હોસ્પિટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે બીજી ફેબ્રુઆરીએ પાલનપુરમાં અર્બુદા માતાજીના મંદિરથી પારંપરિક વસ્ત્રો અને ઢોલ-નગારાં સાથે 12 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

પાલનપુર અર્બુદા ધામ ખાતે માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ  દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો  યજ્ઞનાં દર્શન માટે આવશે. જિલ્લામાં તમામ સમાજના લોકોને દર્શન કરવા માટે આણંત્રણ આપવમાં આવ્યું છે અને 10 લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૌધરી સમાજની એક હજાર બહેનો પહેલી 5 લાખ લાડુ બનાવવાના કામમાં જોડાઇ હતી. ત્રણ દિવસના ભોજન સમારંભમાં ચૌધરી સમાજના યુવકો અને મહિલાઓ દ્વારા ભોજન પ્રસાદ લેવા આવનારા તમામ લોકોને ભોજન પીરસશે. 30 વીઘા જમીનમાં રસોડાની વ્યવસ્થા કરાવામાં આવી છે. આ આયોજનના ત્રણ દિવસ-રાત્રે લોકગીત અને ડાયરાનું આયોજન કરાયું છે.

આ અંગે સહસ્ત્ર ચંડી યજ્ઞ કમિટીના ચેરમેન પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું કે આ યજ્ઞમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી 600 ભૂદેવ ઉપસ્થિત રહેશે. આ આયોજનની તૈયારી છેલ્લા છ મહિનાથી થઇ રહી છે. અહીં લગભગ 100 એકર જમીન લોકોએ અમને વાપરવા માટે ફ્રીમાં આપી છે. આ યજ્ઞમાં ત્રણ દિવસમાં તમામ સમાજના લાખો લોકો ભોજન પ્રસાદ લેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code