અમદાવાદઃ ચોમાસામાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાતા હોય છે. શહેરમાં 15 લાખથી વધુ વૃક્ષો વાવવા માટે મ્યુનિ.એ કરેલા નિર્ધારના ભાગરૂપે અત્યાર સુધીમાં 10 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. બીજી તરફ મ્યુનિ. દ્વારા શહેરમાં 5.18 લાખ જેટલા મોટા વૃક્ષો અને 4.88 લાખ જેટલા ફૂલ છોડનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી 10 લાખ અને તેનાથી વધારે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ મ્યુનિ. દ્વારા 13 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ત્યારે મ્યુનિ. દ્વારા અત્યાર સુધીમાં 10.07 લાખ વૃક્ષો, ફુલ- છોડનું વાવ્યા છે. શહેરના વિવિધ ગાર્ડનમાં પણ 1.77 લાખ જેટલા ફૂલ છોડ વાવવામાં આવ્યા છે. રોડ સાઇડ પર પણ 1 લાખ ફુલ છોડ તથા તુલસીના રોપા પણ 1 લાખ જેટલા વિતરણ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ તેમજ ગીચ વૃક્ષારોપણથી ગીચ જંગલ ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કવાયતનો હેતુ શહેરનું ગ્રીન કવર વધારવાનું છે.
શહેરમાં 8 સ્થળે મીયાવાકી પદ્ધતીથી ગાઢ જંગલ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં સાયન્સ સીટી, ગોતા ખાતે તાજેતરમાં જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે થલતેજ, મકરબા, નરોડા, વસ્ત્રાલ, ગ્યાસપુર અને ઓઢવ ખાતે મિયાવાકી પદ્ધતિથી ગાઢ વનીકરણ કરવામાં આવ્યું છે. શહેરમાં વૃક્ષા રોપણમાં પણ 100 વર્ષ કરતાં વધારે આયુષ્ય ધરાવતાં હોય તેવા વૃક્ષોને પણ મ્યુનિ. દ્વારા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં લીંમડો, વડ, પીપળો, ખાટી આંબલી સહિતની વૃક્ષોનો સમાવેશ થાય છે.