દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનની વધુ 10 ટ્રીપ દોડાવાશે
અમદાવાદઃ દિવાળીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટ્રેનોમાં ભરચક ભીડ જોવા મળી રહી છે. 20મી તારીખથી શાળા કોલેજોમાં વેકેશન પડશે એટલે દિવાળી પર લોકો પોતાના માદરે વતન જતાં હોવાથી ટ્રાફિક વધશે. ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની 10 ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને માટે તથા દિવાળીના તહેવારમાં આ ટ્રેનની વધારે ટ્રીપ દોડવાવમાં આવશે. ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તેમજ ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 29 ઓક્ટોબરથી 26 નવેમ્બર 2022 સુધી દર શનિવારે અમદાવાદથી 23.35 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.25 વાગ્યે ઓખા પહોંચશે. ટ્રેનોના રવાના થવાનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિસ્તૃત જાણકારી www.enquiry.indianrail.gov.in પરથી યાત્રિકો મેળવી શકે છે
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2022 સુધી દર રવિવારે ઓખાથી 23.45 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમ જ દ્વારકા સ્ટેશને રોકાશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. ટ્રેન નંબર 09435/36નું બુકિંગ 19 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોને લીધે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત એસટી વિભાગ પણ વધારાની એસટી બસો દોડાવશે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહેશે. દિવાળી વેકેશન દરમિયાન લોકો પોતાના માદરે વતનમાં જતા હોય જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશે. બીજી તરફ ટ્રેનમાં પણ મુસાફરોનો ધસારો રહેતો હોવાથી રેલ્વે વિભાગ દ્વારા પણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે . ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેન માટેના રિઝર્વેઝશન અને બુકિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે