- બાળકો પાસે ભીખ મંગાવતા તેના માત-પિતા સામે ગુનો નોંધાયો,
- ભીખ મંગાવવાના રેકેટનો પડદાફાશ,
- બાળકોને મેડિકલ ચેકપ માટે મોકલાયા
અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ રસ્તાઓ પર ભીખ માગતા બાળકો જોવા મળી રહ્યા છે. બાળકોને રમવાની કે સ્કૂલ જવાની ઉંમરે બાળકો પાસેથી ભીંખ મંગાવવાનું કામ લેવામાં આવતું હતું. આથી શહેર ક્રાઈમ બ્રાન્ચે ભીખ માંગતા 10 જેટલાં બાળકોનું રેસ્ક્યુ કરીને ભીખ મંગાવવાના રેકેટનો પડદાફાશ કર્યો છે. બાળકોને તેના માત-પિતા દ્વારા જ ભીખ મંગાવવામાં આવતી હતી. આથી ક્રાઈમ બ્રાન્ચે ભીખ માગતા બાળકોના માત-પિતા સામે ગુનોં નોધ્યો છે.
અમદાવાદ છેલ્લા કેટલાક સમયથી બાળકોને ભીખ મંગાવવા માટેનું આખું નેટવર્ક ચાલી રહ્યું છે. બાળકો પાસે મજબૂર અને લાચારીનો ચહેરો દેખાડીને વાહનચાલકો પાસે ભીખ માંગવામાં આવતી હોય છે. શહેરના ટ્રાફિકથી ભરચક હોય એવા વિસ્તારોમાં ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલો બંધ હોય ત્યારે વાહનચાલકો પાસે બાળકો દ્વારા ભીખ મંગાવવામાં આવતી હતી. આથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભીખ માગતા 10 બાળકોને બચાવી લીધા છે અને તેમને હાલ મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે હાલ બાળકોના માતા-પિતા સામે ફરિયાદ નોંધી છે, જ્યારે બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવીને તેમની સાથે કોઈ શોષણ કે અનૈતિક કામ થયું છે કે નહીં? તે તપાસવાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ શહેર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા બાળકોને રેસ્ક્યૂ કરીને તેમને ફરીથી યોગ્ય જિંદગી મળે તે માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને બાળકોના માતા-પિતા તેમની પાસે ભીખ મંગાવતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. આ વખતે અમદાવાદ શહેર પોલીસે કરેલી કામગીરીમાં શહેરના એરપોર્ટ વિસ્તારમાંથી ભીખ માગતી બે બાળકી તેમજ એક બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવરંગપુરા, વસ્ત્રાપુર, પાલડી અને અલગ-અલગ વિસ્તારમાંથી કુલ 6 બાળકીઓ અને ચાર બાળકોને ભીખ માંગતા પોલીસે બચાવ્યા છે અને તેમની હાલ રેસ્ક્યૂ કરીને મેડિકલ ચેક માટે લઈ જવામાં આવ્યા છે. આમ કૂલ 10 બાળકોને પોલીસે રેસ્ક્યૂ કરીને હાલ તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. સાથે તેમના માતા-પિતા સામે ભીખ મંગાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બાળકોને આગામી સમયમાં તેમનું સામાજિક ઘડતર થાય તે માટે ભણવાની અને મેડિકલ સુરક્ષા આપવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે.