- BSFના પેટ્રોલીંગમાં મળ્યા પેકેટ
- સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી
અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ 1600 કિમી લાંબા દરિયા કિનારા ઉપર સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન કચ્છના જખૌ નજીક આવેલા ટાપુ પર BSFને પેટ્રોલીંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. આ અગાઉ પણ દરિયાઈ વિસ્તારમાંથી અનેક વાર બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળ્યા હતા. ચરસના પેકેટની વધારે તપાસ માટે પોલીસને સુપ્રત કરવામાં આવશે. બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવતા બીએસએફના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પાકિસ્તાન સાથે જળ અને જમીન સરહદથી જોડાયું છે. તેમજ પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે ગુજરાતની જળસીમાનો ઉપયોગ કરતા હોવાનું અગાઉ સામે આવી ચુક્યું છે. એટલું જ નહીં જખૌ નજીક સીમા પાસેથી ઘણા સમયથી બિનવારસી હાલતમાં ચરચના પેકેટ મળી આવે છે. ચરસના આ પેકેટ પાકિસ્તાનથી ડ્રગ્સ માફિયા મોકલતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન એક ટાપુ ઉપરથી ચરસના દસ જેટલા પેકેટ મળી આવતા બીએસએફના જવાનો ચોંકી ઉઠ્યાં હતા. સુરક્ષા જવાનોએ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરુ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાંથી ગાંજાની ખેતીનો સ્થાનિક પોલીસે પર્દાફાશ કર્યો હતો. તેમજ લાખોની કિંમતની મતા જપ્ત કરીને ગાંજાનું વાવેતર કરનારા ખેડૂતની અટકાયત કરી હતી.
(PHOTO-FILE)