Site icon Revoi.in

ઈઝરાઈલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા બજારનો 10 હજાર કરોડનો વેપાર થયો ઠપ

Social Share

સુરત : ગુજરાતમાં હીરાના વેપાર અને કાચા માલ (રફ)માંથી હીરા તૈયાર કરવા માટેનું મુખ્ય મથક સુરત ગણાય છે. હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હીરા ઉદ્યોગને ગ્રહણ લાગ્યુ હોય તેમ મંદીનો દૌર ચાલી રહ્યો છે. રત્ન કલાકારો અને વેપારીઓ તેજીની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ ઈઝરાઈલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થતાં ફરીપાછી વ્યાપક મંદીની મોકાણ સર્જાણી છે. ઈઝરાઈલ સાથે અંદાજે 10 હજાર કરોડનો વેપાર થતો હોય છે. જે યુદ્ધના કારણે અટકી ગયો છે.

સુરત હીરા બજારમાં ઈઝરાઈલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે મોટી અસર થઈ છે. શહેરનો 10 હજાર કરોડનો હીરાનો વેપાર ઠપ થયો છે. ઈઝરાઈલ સાથે સુરતનું હીરા બજાર સીધું સંકળાયેલ છે. તેથી હીરા બજારની સ્થિતિ ગંભીર બની છે. વ્યાપક મંદીને લીધે રત્ન કલાકારોને શનિવાર અને રવિવારે રજા આપવામાં આવી રહી છે. દિવાળી સુધીમાં હીરા બજારની સ્થિતિ હજુ વધુ બગડે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેટલાક મોટા કારખાનેદારો નવરાત્રીથી જ હીરાના કારીગરોને દિવાળીનું વેકેશન આપી દેવાનું વિચારી રહ્યા છે.

સુરત શહેરની અંદર સૌથી મોટા બે ઉદ્યોગ આવેલા છે. જેમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં લાખો કામદારો  સીધા સંકળાયેલા છે. જ્યારે પણ આ બંને માર્કેટ ઉપર કોઈ અસર પડતી હોય છે, તો તેની અસર લાખો કારીગરો પર પણ અને તેમના પરિવાર ઉપર પડતી હોય છે. સુરતના હીરા બજારની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ઇઝરાયેલની યુદ્ધને લીધે ફરીવાર મંદીની મોકાણ શરૂ થઈ છે.  થોડા મહિના પહેલાં યુક્રેનમાં થયેલા યુદ્ધની અસરમાંથી બહાર નીકળતા હીરાના વેપારીઓને પરસેવો પડ્યો હતો. ત્યારે ફરી ઇઝરાયેલની અંદર યુદ્ધ શરૂ થતા હીરાના વેપારીઓ ચિંતામાં મૂકાયા છે.

સુરતના વેપારીઓ દ્વારા રશિયન કંપનીઓને હીરાનો કાચો માલ યાને રફ બે મહિના ન મોકલવા માટે અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ પોલીસ હીરાના ભાવ અત્યંત નીચે આવી જતા માર્કેટની સ્થિતિ ખરાબ ચાલી રહી છે,  હીરાના વેપારીઓ પાસે મોટા પ્રમાણમાં હીરાનો સ્ટોક પડી રહ્યો છે. જ્યારે ઇઝરાયેલમાં દર વર્ષે ભારત અંદાજિત 10,000 કરોડનો હીરાનો વેપાર કરતું આવ્યું છે. ત્યારે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો આ 10,000 કરોડનો વેપાર ઠપ થતા મોટી કંપનીના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. હીરા બજાર વ્યાપક મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને હજુ વધુ હાલત કફડી બનશે તેવું હીરાના વેપારીઓનું માનવું છે. (file photo)