રાજ્યની 14,246 ગ્રામ પંચાયતોમાં 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહવાનને પગલે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન શરૂ થયાના માત્ર બે જ દિવસમાં રાજ્યના 248 તાલુકાના 14 હજાર ગામોમાં 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત થઇ ગયા છે. એક લાખ પાંચ હજારથી વધુ બેડની સુવિધા સાથેના આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામીણ નાગરિકોને આઇસોલેશન – પ્રાથમિક સારવાર સુવિધા મળશે.
મુખ્યપ્રધાને રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપીલ કરી હતી. એટલું જ નહિ, આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા – જમવા તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદિક ઊકાળા, વિટામિન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ તેમણે કર્યુ હતું. આ અપીલને પગલે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી અને ગામના અગ્રણીઓની 10 વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ 10320 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં 83 સેન્ટર્સમાં 1242 બેડ માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં 897 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ 6400 પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.