દિલ્હી- ભારતીય રેલ્વે સતત પોતાના કામકાજમાં સુઘારો કરતી રહે છે ત્યારેરેલ્વે બોર્ડે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં આપવામાં આવતી એક્સ-ગ્રેશિયાની રકમમાં 10 ગણો વધારો કર્યો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક્સ-ગ્રેટિયા રાહત છેલ્લે 2012 અને 2013માં સુધારવામાં આવી હતી. ‘પીટીઆઈ-ભાષા’ દ્વારા પ્રાપ્ત 18 સપ્ટેમ્બરના રેલ્વેના પરિપત્રમાંથી મળેલી માહિતી અનુસાર “ટ્રેન અકસ્માતો અને અપ્રિય ઘટનાઓમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા યાત્રીઓના આશ્રિતોને આપવામાં આવતી એક્સ-ગ્રેશિયા રાહત રકમમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માહિતી પ્રમાણે રેલ્વેની પ્રાથમિક દ્રષ્ટીએ જવાબદારીને કારણે માનવ સંચાલિત લેવલ ક્રોસિંગ પર અકસ્માતનો ભોગ બનેલા માર્ગ વપરાશકર્તાઓને એક્સ-ગ્રેટિયા રાહત પણ લંબાવવામાં આવી છે અને તે પરિપત્ર જારી કરવાની તારીખ 18 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.
આ પરિપત્ર અનુસાર, ટ્રેન અને માનવ સંચાલિત લેવલ ક્રોસિંગ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારને હવે 5 લાખ રૂપિયા મળશે, તો સાથે જ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે.
તો બીજી બાજુ જો ટ્રેન અકસ્માતમાં નાની ઈજા થવા પામી હોય તેવા યાત્રીઓને 50 હજાર રૂપિયા મળવા પાત્ર બનશે. જો પહેલાની વાત કરીએ તો આ રકમ અનુક્રમે રૂ. 50,000, રૂ. 25,000 અને રૂ. 5,000 હતી.
આ સહીત પરિપત્રમાં જણાવાયું છે કે કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં, મૃતકના આશ્રિતો, ગંભીર રીતે ઘાયલ અને સાધારણ ઈજાગ્રસ્ત મુસાફરોને અનુક્રમે 1.5 લાખ રૂપિયા, 50,000 રૂપિયા અને 5,000 રૂપિયા આપવામાં આવશે. અગાઉની એક્સ-ગ્રેટિયા સ્કીમમાં, આ રકમ અનુક્રમે રૂ. 50,000, રૂ. 25,000 અને રૂ. 5,000 હતી.