દરરોજ 10 થી 12 લાખ લોકો જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લે છે: ડો. માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં જન ઔષધિ કેન્દ્રો માટે ક્રેડિટ સહાયતા કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ સંબંધમાં તેમણે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી) અને ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા (પીએમબીઆઇ) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)નાં આદાન-પ્રદાનની અધ્યક્ષતા કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “કોઈ પણ સમાજ માટે વાજબી અને સુલભ એવી દવાઓ આવશ્યક જરૂરિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ગરીબો માટે ‘સંજીવની’ કહ્યા છે. વર્ષ 2014માં માત્ર 80 જન ઔષધિ કેન્દ્રો હતાં, જે આજે દેશભરમાં આશરે 11,000 એકમો કાર્યરત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “એવો અંદાજ છે કે દરરોજ આશરે 10થી 12 લાખ લોકો આ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લે છે, જેથી તેમને નોંધપાત્ર બચત થાય છે અને જરૂરી દવાઓ સુલભ થાય છે.”
દેશમાં જન ઔષધિ કેન્દ્રોના નેટવર્કને મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, ખરીદી પ્રક્રિયાને મજબૂત બનાવવા, ઓફર કરવામાં આવતા ઉત્પાદનોની બાસ્કેટનું વિસ્તરણ કરવા, નિયમિત સપ્લાય ચેઇન નેટવર્ક જાળવવા તેમજ કડક ગુણવત્તા ચકાસણી અને નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, સરકારે આ જન ઔષધિ કેન્દ્રોનાં વ્યક્તિગત ઓપરેટરોને નાણાકીય સહાય પ્રદાન કરી છે, જેમાં અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં સ્થિત લોકોને વધારાની સહાયનો પણ સમાવેશ થાય છે, જેથી તેમને આ કેન્દ્રો ખોલવા માટે પ્રોત્સાહન મળી શકે. તેમણે કહ્યું હતું કે, તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને નાણાકીય સ્વાયત્તતા પ્રદાન કરવાની સાથે-સાથે દેશભરમાં જન ઔષધિ કેન્દ્રોનાં નેટવર્ક અને પહોંચને મજબૂત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ સિડબી અને પીએમબીઆઈ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “આ સમજૂતીકરાર જન ઔષધિ કેન્દ્રોનાં નાનાં અને નવા ઉદ્યોગસાહસિકો માટે આશીર્વાદરૂપ બનીને બહાર આવશે.” દેશમાં જન ઔષધિ કેન્દ્રોના નેટવર્કને વધુ વિસ્તૃત, મજબૂત અને આધુનિક બનાવવા માટે આ એમઓયુની સંભવિતતાની નોંધ લઈને તેમણે મંત્રાલય અને સિડબી અધિકારીઓને વિનંતી કરી હતી કે, તેઓ આ પહેલના લાભોને વાસ્તવિક સ્તરે રાજ્યો અને લોકોને પ્રકાશિત કરે, જેથી તેનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે. કેન્દ્રીય મંત્રીએ આ ધિરાણ સહાય કાર્યક્રમને સફળ બનાવવામાં સામેલ વ્યક્તિઓ તેમજ આ પહેલના કેટલાક લાભાર્થીઓનું સન્માન પણ કર્યું હતું.