રાજકોટમાં સરકારી કચેરીઓનો 100 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી, RMC નોટિસ આપીને સંતોષ માને છે
રાજકોટઃ મ્યુનિ,કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની સારીએવી આવક થાય છે. જેમાં પ્રોપર્ટી ટેક્સના બાકી બીલોમાં રિબેટની યોજના દાખલ કરાયા બાદ એને સારોએવો પ્રતિસાદ મળ્યો હતો, ખાસ કરીને કોમર્શિલ પ્રોપર્ટીધારકોનો ટેક્સ બાકી હોય તો મિલકતોને સીલ મારવા સુધીના પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ શહેરમાં સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતાં મ્યુનિ.ના સત્તાધિશો માત્ર નોટિસ પાઠવીને સંતોષ માણી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તથા રેલવેની મિલકતો સહિત સરકારી કચેરીઓનો 100 કરોડ રૂપિયા ટેક્સ બાકી બોલે છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે અને ટેક્સ વસુલાત માટે દર વર્ષે આરએમસી દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. સામાન્ય લોકો સામે કાયદાનો ધોકો પછાડીને પણ ટેક્સની વસુલાત કરવામાં આવતી હોય છે.ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ પાસેથી વેરા વસુલાત કરવામાં આરએમસીનું તંત્ર લાચાર બની જાય છે. શહેરમાં સરકારી કચેરીઓ પાસેથી પ્રોપર્ટી ટેક્સની રૂ. 100 કરોડની વસુલાત કરવાની બાકી છે.
આરએમસીના ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા મુજબ હાલ સરકારી કચેરીઓમાં સૌથી વધુ 14થી 15 કરોડ જેટલી રકમ રેલવેની બાકી છે. તેમજ અન્ય ઘણી કચેરીઓનાં રૂ. 2થી ત્રણ કરોડની વસુલાત તેમજ પાણીવેરાની પણ રૂ. 5 કરોડ સહિતની રૂ. 100 કરોડની વસુલાત કરવાની બાકી છે. જોકે, મોટાભાગની કચેરીઓનો વેરો માર્ચ મહિનામાં ભરાતો હોય છે. ત્યારે આગામી માર્ચમાં બાકી વેરો વસુલાય તે માટે તાજેતરમાં વિવિધ સરકારી કચેરીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. ચાલુ વર્ષે સરકારી કચેરીઓનાં બાકી વેરાઓ વસૂલવા માટેની કામગીરી વહેલી શરૂ કરવામાં આવી હોવાથી માર્ચ સુધીમાં જ મોટાભાગની વસુલાત થવાની શક્યતા છે. અગાઉ રેલવે સહિત કેન્દ્રશાસિત મિલકતો અંગે અમુક પ્રશ્નો હતા. જેનું હવે તો નિરાકરણ આવી ચૂક્યું છે. બાકીની ઘણી કચેરીઓ નિયમિત તેમનો વેરો માર્ચ મહિનામાં ભરતી હોય છે. ગત વર્ષે મનપા દ્વારા રૂ. 250 કરોડનો ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે લગભગ રૂ. 300 કરોડની વસુલાત થવાનો અંદાજ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રેલવે વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શહેર અને ગ્રામ્ય પોલીસ, પોસ્ટ વિભાગ, પાણી પુરવઠા બોર્ડ અને બીએસએનએલ જેવી કચેરીઓનો વેરો લાંબા સમયથી બાકી છે. જોકે, અન્ય અમુક સરકારી કચેરીઓ જેવી કે, એવીપીટી કોલેજ, પોલિટેકનિક, ITI, RTO, પીજીવીસીએલ, એસઆરપી કેમ્પ તેમજ આઈઓસી સહિતની 21 જેટલી કચેરીઓ દર વર્ષે તેનો વેરો સમયસર ચૂકવી આપે છે.