Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ,ને સરકાર દ્વારા 100 નવી CNG બસ ફાળવાશે, શહેરના નવા રૂટ્સ શરૂ કરાશે

Social Share

રાજકોટઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. અને વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારીને રોડ પરના ટ્રાફિકનું ભારણ હળવું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 52 જેટલી ડિઝલ બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. ડિઝલ બસોને લીધે પ્રદુષણ પણ વધી રહ્યું હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ 100 CNG અથવા ઈલેક્ટ્રિક બસની ફાળવણી કરવાની માગ કરવામાં આવી હતી. આથી સરકાર દ્વારા તબક્કાવાર 100 CNG બસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માસથી તબક્કાવાર નવી બસો આવતા જૂની ધૂમાડા ઓકતી ડીઝલ બસો નોનયુઝ કરાશે. તેમજ જરૂરિયાત મુજબનાં નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે.

આરએમસીના સૂત્રોના કહેવા મુજબ, આગામી મહિનાથી તબક્કાવાર પ્રધાનમંત્રી યોજના અંતર્ગત 100 CNG બસ ફાળવવામાં આવશે. જૂલાઈ માસ સુધીમાં તમામ બસો આવી જશે. શહેરમાં દોડતી ડીઝલ બસના સ્થાને CNG બસ દોડાવવા સરકાર પાસે બસો માગવામાં આવી હતી. જે મંજૂર થઈ જતાં આવતા મહિનાની શરૂઆતમાં પ્રથમ 25 CNG બસ તેમજ બાદમાં તબક્કાવાર વધારાની 75 બસ આવશે. જેને લઈને ટૂંક સમયમાં તમામ 52 ડીઝલ બસ સામે સીએનજી બસ મુકવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ બીઆરટીએસ રૂટ ઉપર અને શહેરના અન્ય રૂટ ઉપર 75 ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે. પ્રદૂષણની માત્રા ઓછી કરવા તમામ સિટી બસ સીએનજી અને ઈલેક્ટ્રિક સંચાલીત કરવામાં આવશે. હાલમાં દોડતી 200 ઉપરાંત વધારાની જે બસ આવશે. તેના માટે જે વિસ્તારોમાંથી સિટી બસની ડિમાન્ડ કરવામાં આવી છે. તેવા વિસ્તારોને પ્રાયોરિટી આપી નવા રૂટ શરૂ કરવામાં આવશે. જેના લીધે જુલાઈ માસ સુધીમાં સિટી બસ સેવા સંપૂર્ણપણે ડીઝલ બસોથી મુક્ત થઈ જશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી યોજના હેઠળ 100 ઈલેક્ટ્રિક બસ પણ મ્યુનિ.કોર્પોરેશનને ફાળવવામાં આવશે. જોકે, તેના માટે હજુ સમય લાગશે.

મ્યુનિ.ના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આવતા મહિનામાં પ્રથમ 25 સીએનજી બસ આવશે જે ડિઝલ બસ સામે મુકાશે. ત્યારબાદ વધુ 30 સીએનજી બસને પણ જૂની બસના સ્થાને મુકવામાં આવશે. સીએનજી બસના ફ્યુલ માટે શહેરમાં અનેક જગ્યાએ પંપ કાર્યરત છે. તેથી ઈલેક્ટ્રિક બસ કરતા સીએનજી બસને ફ્યુલચાર્જ માટે ઓછો સમય લાગશે. સરકાર દ્વારા આ તમામ બસ ફાળવવામાં આવે ત્યારબાદ અમુક બસ સ્પેરમાં રાખવામાં આવશે. જે જરૂર પડ્યે નવા રૂટ અથવા જે રૂટ બસ રિપેરિંગના કારણે બંધ થયા હોય ત્યાં દોડાવવામાં આવશે.