Site icon Revoi.in

2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ

Social Share

અમદાવાદઃ પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ 2022ના મન કી બાત કાર્યક્રમમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે તેમણે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લેવા માટે અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરીને, રાજ્ય સરકારે 100 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરી છે. અત્યાર સુધી 2475 ના લક્ષ્યાંક સામે, રાજ્યમાં 2652 અમૃત સરોવરોની ઓળખ કરવામાં આવી છે, અને 2612 અમૃત સરોવરોનું નિર્માણ પૂર્ણ કરી દેવાયું છે.

ભારતના અમૃતકાળના આ સુવર્ણ સમયમાં, વડાપ્રધાનની અપીલનો હેતુ તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવર બનાવવાનો છે. આ દરેક અમૃત સરોવરમાં 1 એકર (0.4 હેક્ટર)નો તળાવ વિસ્તાર હશે. તેમાં લગભગ 10 હજાર ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હશે. તેમાં જળસંચયની સાથે જનભાગીદારી પણ હોય, તે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો હેતુ સમાજમાં સાથે મળી કામ કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. તેના માટે આગામી મહિનાઓમાં અમૃત સરોવર ખાતે જાહેર કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવશે. તાજેતરમાં યોગ દિવસ 2023ના પ્રસંગે 1597 સરોવરો પર 65 હજારથી વધુ લોકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. 1 જુલાઇના રોજ ઘણા અમૃત સરોવર પર હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃત સરોવરના ફાયદાઓ જણાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો છે.

સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના ગામોમાં સ્થિત સરોવરોની જગ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. સ્વાતંત્ર્ય સેનાની અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા 15મી ઓગસ્ટના રોજ 665 અમૃત સરોવર કાર્યસ્થળ પર લીમડો, પીપળો, વડ વગેરે જેવાં વૃક્ષોનું સ્મારક સ્વરૂપે વાવેતર કરવામાં આવ્યું છે. 

રેલ્વે, NHAI અને MoRTH દ્વારા સુરેન્દ્રનગર-રાજકોટ ડબલિંગ પ્રોજેક્ટ અને અમદાવાદ-મહેસાણા ટ્રેક ડેવલપમેન્ટ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે, NH-27, દિલ્હી વડોદરા એક્સપ્રેસ હાઈવે (NH-148N), NH-8E વગેરે જેવા તેમના પ્રોજેક્ટ્સમાં અમૃત સરોવરની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતો પણ તેમની જમીનને ફળદ્રુપ બનાવવા માટે આ માટીનો ઉપયોગ કરે છે.