બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ, પ્રથમ તબક્કો પૂરો થવામાં 3 વર્ષ લાગશે
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અનેક અડચણો હતી. જેમાં ખેડુતો પાસેથી જમીન સંપાદનનું કામ મહત્વનું હતું. ગુજરાતના આઠ જિલ્લામાં પરિયોજના માટે કુલ મળી 951.14 હેક્ટર જમીન અધિગ્રહણ કરવાની જરૂર હતી. અમદાવાદથી મુંબઈ સુધીના બુલેટ ટ્રેન માટેના કોરીડોરની જમીન અધિગ્રહણનું કામ સંપૂર્ણ યાને કે 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થવામાં 3 વર્ષ લાગશે, 2026 સુધી સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ થવાનો અંદાજ છે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે ગુજરાતમાં 100 ટકા જમીન અધિગ્રહણનું કામ પૂરુ કરી લીધુ છે. આ સાથે બુલેટ ટ્રેન ચાલુ કરવાને લઈને પણ સરકાર પાસેથી અપડેટ મળ્યું છે. ગુજરાતમાં અંતિમ જમીન સપ્ટેમ્બરમાં સુરત જિલ્લાના કથોર ગામમાં અધિગ્રહિત કરવામાં આવી હતી. ગુજરાતના આઠ જિલ્લામાં પરિયોજના માટે કુલ મળી 951.14 હેક્ટર જમીન અધિગ્રહણ કરવાની જરૂર હતી. ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ તથા દીવમાં પરિયોજના માટે 99.95 ટકા જમીનનું અધિગ્રહણ કરી લેવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનું સંચાલન નિયંત્રણ કેન્દ્ર અમદાવાદમાં સાબરમતી સ્થિત હશે અને ત્રણ ડેપો હશે. તેમાંથી બે ડેપો ગુજરાતના સુરત અને સાબરમતી અને એક મહારાષ્ટ્રના ઠાણેમાં હશે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2026 સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરવા ઈચ્છે છે. આ પ્રથમ તબક્કો શરૂ થવામાં હજુ ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા બુલેટ ટ્રેન ચાલૂ કરવાની નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી.
નોંધનીય છે કે આજથી લગભગ છ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિંઝો આબેબે અમદાવાદમાં આ પરિયોજનાની શરૂઆત કરી હતી. બુલેટ ટ્રેનથી લગભગ 508 કિલોમીટરની સફર તાડા ત્રણ કલાકમાં પૂર્ણ થવાની આશા છે. નોંધનીય છે કે આ પરિયોજનાને પૂર્ણ કરવા માટે જાપાનનો પણ સહયોગ મળી ગયો છે.