નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હબીબુલ નામના શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી પાસેથી આતંકી આકાઓના ઝેર ઓકતા વિડીયો મળી આવ્યાં હતા. એટલું જ નહીં આરોપી આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન જવાનો હોવાનું જામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી સંગઠન જૈશ સાથે જોડાયેલા આતંકી હબીબુલ ઈસ્લામના મોબાઈલમાંથી આતંકી સાથે જોડાયેલા 100થી વધુ વીડિયો મળી આવ્યા છે. મોટાભાગના વીડિયો અલ કાયદા અને ISIS આતંકી સંગઠનોના છે. આ સંગઠનોના નેતાઓ અને અન્ય અગ્રણી આતંકવાદીઓ ઉશ્કેરણીજનક અને દ્વેષપૂર્ણ ભાષણો હતા.
ATSએ આ તમામ વીડિયો એકઠા કર્યા છે અને તેને પુરાવા તરીકે કેસની તપાસમાં સામેલ કર્યા છે. આ વીડિયો તેના નજીકના અને પ્રિયજનોને મોકલીને હબીબુલ તેમને પણ આતંકની દુનિયામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટીએસને હબીબુલ પાસેનો મોબાઈલ અને તેના આઈડી પર લીધેલું સિમ મળી આવ્યું હતું. તેણે વર્ચ્યુઅલ આઈડીનો ઉપયોગ કર્યો હોવાથી તેને ખાતરી હતી કે તે પકડાઈ જશે નહીં. એટીએસે જ્યારે મોબાઈલની તપાસ કરી તો તેમાં અનેક વીડિયો મળી આવ્યા. તેમાં ઓસામા બિન લાદેન સહિત મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના વીડિયો છે.
પૂછપરછ દરમિયાન હબીબુલે જણાવ્યું કે તે આ વીડિયો જોઈને ખુશ થઈ જતો હતો. ખાસ કરીને તે આતંકવાદીઓના વિડિયો રાખતો હતો જેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા. તેની પાસે ભારતમાં આતંકવાદી હુમલા સંબંધિત તમામ વીડિયો પણ મળી આવ્યા હતા. તેમાં મુંબઈ હુમલાના વીડિયો પણ સામેલ છે. તેની પાસેથી ક્યારે, ક્યાં અને કયો આતંકવાદી હુમલો થયો તેની વિગતો પણ મેળવી હતી. હબીબુલના કહેવા પ્રમાણે, પાકિસ્તાની હેન્ડલર તેને ટ્રેનિંગ માટે બોલાવતો હતો. જે બાદ તે પરત ફરશે અને ભારતમાં આતંક ફેલાવશે. એટીએસની તપાસમાં હબીબુલ પાસે પાસપોર્ટ ન હોવાનું બહાર આવ્યું છે.
હેન્ડલરે તેને કાશ્મીર થઈને સરહદ પાર કરવાનું કહ્યું હતું. જ્યારે તે ત્યાં જવા માટે તૈયાર થતો ત્યારે તે જ હેન્ડલર તેને આગળનું માર્ગદર્શન કરતો. જૈશ સાથે જોડાયેલ આતંકવાદી હબીબુલ ઈસ્લામ બુધવારથી 12 દિવસ માટે ATSના કસ્ટડી રિમાન્ડ પર રહેશે. મંગળવારે કોર્ટે એટીએસની રિમાન્ડ અરજી મંજૂર કરી હતી. આ દરમિયાન એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.