Site icon Revoi.in

રાજકોટમાં ગણોશોત્સવને લીધે પ્રતિદિન 1000 કિલો ફૂલોનું વેચાણ, ફુલ બજારમાં તેજી

Social Share

રાજકોટઃ ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહાત્મ્ય હોય છે, અને ઘણા જાહેર તહેવારો વિશેષરૂપથી ઊજવવામાં આવતા હોવાથી તેની સાથે લોકોની નાની-મોટી રોજગારી પણ મળી રહેતી હોય છે. રાજકોટ શહેરમાં ગણેશોત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. ઘણાબધા લોકોએ શ્રીજીની સ્થાપના પોતાના ઘરમાં વાજતે-ગાજતે કરી છે, ઉપરાતં શહેરની શેરીઓના નાકે પંડાળોમાં ગણેશજીની મોટી-મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે ગણેશજીની પૂજા-અર્ચના અને સુશોભન માટે ફૂલોની માગમાં મોટા વધારો થયો છે. હાલ રોજ 1000 કિલોથી વધુ ગુલાબ સહિત વિવિધ ફુલોનું વેચાણ થઈ રહ્યું છે. એટલે શહેરના ફુલ બજારમાં તેજી જોવા મળી રહી છે.

શહેરના પારવેડી ચોક ખાતે સ્થિત મઘમઘતી ફૂલની બજાર અત્યારે પુરજોશમાં ધમધમી રહી છે. શ્રાવણ મહિના બાદ ગણેશોત્સવમાં પણ ફૂલની ડિમાન્ડ રહી છે. સામાન્ય દિવસ કરતા ફૂલની ડિમાન્ડ વધતા તેના ભાવમાં પણ વધારો થયો છે. હાલ અત્યારે દૈનિક 1 હજાર કિલો ફૂલની ડિમાન્ડ છે. જે સામાન્ય દિવસમાં 300થી 500 કિલો હોય છે. જોકે અત્યારે વાતાવરણની અસર પણ ફૂલ પર જોવા મળી રહી છે. લાલ ફૂલમાં અત્યારે દેશી ફૂલ કરતા બે ત્રણ દિવસ ચાલે તેવા ફૂલની ડિમાન્ડ વધારે રહે છે. ફૂલના ભાવમાં 10 ગણો વધારો જોવા મળી રહ્યા છે. શહેરમાં ઠેર- ઠેર ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં પૂજા માટે સાચા ફૂલનો વપરાશ થાય છે. જ્યારે ડેકોરેશનમાં આર્ટિફિશિયલ ફૂલનો વપરાશ વધારે છે. શહેરમાં અત્યારે ફૂલ મુંબઈ, પુના અને બેંગ્લોરથી આવે છે. જ્યારે સ્થાનિકમાં ફૂલ માધાપર, વાજડી અને ઈશ્વરિયા ગામમાંથી વધારે આવે છે.

શહેરમાં ગણેશોત્સવને લીધે  30 ટકાથી વધુ પાર્સલ ફૂલના જ આવી રહ્યા હોવાનું ફૂલોના વેપારીઓ જણાવી રહ્યા છે. શ્રાવણ માસમાં પૂજા ઉપરાંત ફૂલ વર્ષા માટે પણ ફૂલની ડિમાન્ડ રહી હતી. હવે શ્રાદ્ધ શરૂ થશે ત્યારબાદ નોરતા અને દિવાળીમાં પણ પૂજાપાઠ થતા હોવાથી ફૂલની ડિમાન્ડ દિવાળી સુધી ચાલુ રહેશે. તેમ વેપારીઓનું માનવુ છે. ઉપવાસ અને પૂજાને કારણે ફળ, મીઠાઇની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. સૌથી વધારે મોદકની ડિમાન્ડ રહે છે. મોદકમાં ચોકલેટ, કેસર પિસ્તા, બુંદીના મોદકની ડિમાન્ડ રહે છે. જોકે ફૂલની જેમ ફળના ભાવમાં પણ વધારો થયો છે. લીલા નારિયેળનો ભાવ રૂ. 70 એ પહોંચ્યો છે. જ્યારે શ્રીફળનો ભાવ રૂ. 25થી 30 સુધી છે. (File photo)