Site icon Revoi.in

ગુજરાતમાં ત્રણ મહિનામાં વધુ 1000 એસટી બસ દોડતી કરાશે, સંઘવીએ વર્કશોપની લીધી મુલાકાત

Social Share

ગાંધીનગરઃ ગુજરાત એસટી નિગમની બસોમાં પણ હવે ટ્રાફિક વધતો જાય છે. દરમિયાન ઘણા એસટી ડેપો દ્વારા કિલોમીટર પુરા થઈ ગયા હોવા છતાં ખખડપાંચમ બનેલી બસો દોડાવવામાં આવી રહી છે. જોકે હવે એસટીના તમામ ડિવિઝનો અને ડેપોને ત્રણ મહિનામાં નવી 1000 જેટલી બસ ફાળવવામાં આવશે. નવી એસટી બસના રંગરૂપ પણ બદલાશે. તેમજ બસોમાં એર સસ્પેન્શન સિસ્ટમને અપગ્રેડ કરાઈ હોવાથી મુસાફરોને યાત્રા દરમિયાન આંચકા અનુભવાશે નહીં. વોલ્વોમાં પણ સુધારો કરવામાં આવશે. વાહન વ્યવાહાર મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નરોડા સ્થિત એસટી વર્કશોપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે એસટી બસોના સંચાલન અને મુસાફરોની સુવિધા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા વોલ્વો અને લકઝરી બસને એસ.ટી.ના પેસેન્જરોની સુવિધામાં વધારો કરવા માટે લાવ્યા પછી વોલ્વો અને લકઝરી બસમાં સીટ પાછળ એક ફોલ્ડીંગ ટેબલ લગાડવામાં આવશે,જેથી કરીને પાછળ બેઠેલો મુસાફર મુસાફરી દરમિયાન નાસ્તો કરવો હોય તો કરી શકે.  રાજ્યના વાહન વ્યવહાર મંત્રી સંઘવી જણાવ્યું હતું કે, નવી બસનો કલર પણ રોડ પર અનુકૂળ હોય તે રીતે કરવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બસના કલરમાં કેસરી કલર ઉમેરવામાં આવ્યો હતો. અમદાવાદના નરોડા ખાતેના એસ ટી વર્કશોપની મુલાકાત દરમિયાન મંત્રી હર્ષ સંઘવીએ તૈયાર થતી બસનું નિરીક્ષણ કર્યુ હતુ. આ સાથે રાજ્ય સરકારને નવી બસો માટે ઓર્ડર પ્લેસ કરવાનો રહેશે નહીં અગાઉના બજેટની જોગવાઈઓમાંથી જ આ બસોની ખરીદી કરવાની રહેશે. ગુજરાત સરકાર ટાટા, અશોક લેલેન્ડ સહિતની અલગ અલગ કંપનીઓ પાસેથી બસોની ખરીદી કરે છે. આ પૂર્વે પણ આ કંપનીઓએ સરકારને બસોની સપ્લાઈ માગણી કર્યાના થોડા જ સમયમાં કરી આપ્યો હતો.હજુ પણ ગુજરાત એસટી દ્વારા આવનારા સમયમાં નવા રૂટ શરૂ કરવાનું અને નવા બસ સ્ટોપ બનાવવાનું કામ પણ બજેટ જોગવાઈ બાદ શરૂ કરવામાં આવશે. (FILE PHOTO)