રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતા કેટલાક નિર્ણયોને કારણે વિવાદો થતા રહે છે. જેમાં અધ્યાપકોને સજામાં પણ બેવડી નિતી સામે વિવાદ ઊભો થયો છે. અંગ્રેજીમાં પેપર ચેકિંગમાં ગોટાળા કરતા બે અધ્યાપકને ક્લીન ચીટ મળી છે જ્યારે અન્ય 5 અધ્યાપકને પેપર સેટિંગમાં ભૂલ બદલ રૂ.10,000 નો દંડ ફ્ટકારવામાં આવતા વિવાદ ઊભો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઈ.ડી.આઈ.સી. (એક્ઝામિનેશન ડીસીપ્લીનરી એક્શન કમિટી)ની બેઠક તાજેતરમાં મળી હતી. જોકે તેમાં અંગ્રેજી વિષયના પેપર ચેકિંગમાં ગોટાળા કરતા બે અધ્યાપક ઋષિકેશ ઉપાધ્યાય અને ભાવેશ બોરીસાગરને બચાવી લેવાયાનું કહેવાય છે. બંને અધ્યાપકોએ કરેલા પેપર ચેકિંગ બાદ 12 વિદ્યાર્થીઓના માર્કસમાં 7 થી 30 માર્કસનો વધારો થયો હતો. દરમિયાન આજે મળેલી ઈ.ડી.આઈ.સી.ની બેઠકમાં ગત તા. 23-11-2021ના લેવાયેલી એલ.એલ.બી. સેમ.5ની પરીક્ષામાં પરીક્ષક એવા જામનગરની કે.પી.શાહ કોલેજના અધ્યાપક ધીરેન છોટાઇએ સિવિલ પ્રોસીડયુર કોડ એન્ડ ઇન્ડિયન લીમીટેશન એક્ટને બદલે લો ઓફ એવીડન્સ એન્ડ લીમીટેશનનું પેપર કાઢતા પેપર રદ કરવું પડ્યું હતું. આ ઉપરાંત તા.20-07-2021ના રોજ એમ.કોમ. સેમ.2માં ગ્લોબલ સ્ટેટેજીક મેનેજમેન્ટ પેપરમાં પ્રશ્નો ખોટા લખાયા હતા. જેમાં કણસાગરા મહિલા કોલેજના અધ્યાપક ડો.રમેશ ગાંવીતે પેપરની સાથે જોડવાના પત્ર એક પેપરની સાથે બીજા પેપરના જોડી દીધા હતા. તા.04.04.2022 ના બી.કોમ. સેમ. 6માં મેનેજમેન્ટ એકાઉન્ટીંગ 2 માં પ્રશ્ન-2ના અથવાનો પ્રશ્ન કોર્ષ બહારનો પૂછાયો હતો. જેમાં પણ કણસાગરા કોલેજના અધ્યાપક યોગેશ ઓઝાની ભૂલ સામે આવી. ઉપરાંત તા.10.10.2022 ના બી. એસસી. સેમ.5 માઈક્રોબાયોલોજીમાં વેલેન્ટીનાબેન ઉમરાણીયા અને તે જ દિવસે બી.એસસી.આઈ.ટી. સેમ.5માં પ્રતિક વણઝારાએ ક્વેરીવાળું પેપર કાઢ્યું હતું.
આ મામલે કોંગી નેતા નિદત બારોટએ વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણી પર એવો આક્ષેપ લગાવતા મીડિયાને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની પરીક્ષામાં અનેકવાર એવું બન્યું છે કે પ્રોફેસરોએ જાણી જોઈને વિદ્યાર્થીઓને ઓછા ગુણાંક આપ્યા હોય અને આ મામલે વિદ્યાર્થીઓએ જ્યારે રિએસેસમેન્ટની માંગ કરી હતી ત્યારે ખરેખર 30થી 40 જેટલા ગુણ વધ્યા હતા. પૂર્વ કુલપતિ નીતિન પેથાણીના શાસનમાં જ્યારે આ વાત સામે આવી હતી ત્યારે પૂર્વ કુલપતિએ આવા પ્રોફેસરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી .એ ઘટનાને બે વર્ષ વીતી ગયા અને આજે સંઘના નામે ઇન્ચાર્જ કુલપતિ મનમાની કરી રહ્યા છે. તેઓ ઈરાદાપૂર્વક બે પ્રોફેસરોને સજાથી બચાવવા માંગે છે. માટે બંને ક્લીનચીટ આપી છે.