Site icon Revoi.in

મધ્યાહ્ન ભોજનના કરાર આધારિત સુપરવાઈઝરના પગારમાં 10 હજારનો કરાયો વધારો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં 11 મહિનાના કરાર આધારિત નોકરી કરતા સુપરવાઈઝરોના પગારમાં 10 હજારનો વધારો કરીને સરકારે તેમને દિવાળીની ભેટ આપી છે. હાલ મધ્યાહ્ન ભોજન યોજનાના સુપરવાઈઝરોને માસિક રૂપિયા 15000નું મહેનતાણું આપવામાં આવે છે. જે હવેથી 25000નું મહેનતાણું આપવામાં આવશે.તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે. કરાર આધારિત નોકરી કરતા મધ્યાહ્ન ભોજન યોજનાના સુપરવાઈઝરોની પગારમાં વધારો કરવાની ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. ત્યારે મુખ્યમંત્રીએ દિવાળી પહેલા જ મધ્યાહ્ન ભોજન યોજનાના સુપરવાઈઝરોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કરીને તેમને દિવાળીની ભેટ આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી.એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.