અમદાવાદઃ શહેરમાં પ્રોપર્ટીધારકોને ટેક્સ માટે મ્યુનિ દ્વારા રિબેટ યોજના અમલી બનાવાતા સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે ટેક્સ વિભાગ દ્વારા વિવિધ 3 યોજના દ્વારા નાગરિકોને ટેક્સમાં રિબેટ આપવાની યોજના અમલી બનાવવામાં આવી હતી. આ 3 યોજનામાં 15 લાખ કરતાં વધારે કરદાતાઓએ રૂ. 63.74 કરોડનો રિબેટ લાભ મેળવ્યો હતો. શહેરમાં એડવાન્સ ટેક્સ ભરનારાને 10 ટકા થી 8 ટકા સુધીનું તબક્કાવાર રિબેટ આપવામાં આવ્યું હતુ. ચાલુ વર્ષે 380665 કરદાતાઓએ 28.71 કરોડનું રિબેટ મેળવ્યું હતુ. એટલું જ નહી પણ 70 ચો.મી. કે તેથી નાના મકાનો ધરાવતાં 12 લાખ રહેણાંક મિલકતને 25 ટકા જેટલું રિબેટ આપવામાં આવ્યું હતુ. તેમ છતાં મ્યુનિ.ની ટેક્સની આવક રૂ. 1018.74 કરોડ પર પહોંચી હતી જે ગત વર્ષની કુલ આવકની સરખામણીએ 66 ટકા જેટલી થવા જાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ રિબેટ યોજના લાગુ કરાયા બાદ પણ શહેરમાં આજદિન સુધી પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 768.89 કરોડ થઇ છે. જે ગત વર્ષની તુલનાએ 63 ટકા આવક થઈ છે. તેમજ પ્રોફેશનલ ટેક્સમાં પણ ચાલુ વર્ષે 130.08 કરોડની આવક થઇ હતી. જે ગત વર્ષની કુલ આવકના 67 ટકા જેટલી છે. વ્હિકલ ટેક્સમાં પણ મ્યુનિ.ને 119.76 કરોડની આવક થઇ હતી. જે ગત વર્ષની આવકની સરખામણીએ 91 ટકા જેટલી પહોંચી હતી. મ્યુનિ.ને કુલ 1018.74 કરોડની આવક થઇ છે, જે ગત વર્ષે થયેલી રૂ. 1553.23 કરોડની આવકની સરખામણીએ 66 ટકા આવક નોંધાઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,મ્યુનિ. કોર્પોરેશનએ ચાલુ વર્ષે 3 મહિના સુધી એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને રીબેટ આપવાની યોજના અમલી બનાવી હતી. જે સમયે મ્યુનિ.ની આવક રૂ. 357.74 કરોડ થઇ હતી. જ્યારે રિબેટ યોજના અમલમાં મુકવાથી રૂ.1018 કરોડની આવક થઈ છે. જે ગયા વર્ષ કરતાં 44 ટકા જેટલી ઓછી છે.