Site icon Revoi.in

ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિના 12મા હપતા પેટે 1023 કરોડ ચુકવાશે,

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના 51 લાખથી વધુ ખેડુતોને કિસાન સન્માન નિધિના 12મા હપતા પેટે રૂપિયા 1023 કરોડ ચુકવાશે. નવી દિલ્હી ખાતે 17 અને 18 ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન સન્માન સંમેલનમાં  દેશના ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 12મો હપ્તો ચૂકવાશે. આ 12મા હપતામાં દેશના ખેડૂતોના ખાતામાં રૂ.16 હજાર કરોડની રકમ જમા થશે, જેમાં ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને રૂ.1023 કરોડની રકમ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો રાજ્યના ખેડૂતો માટે વધુ એક રાહત લઇને આવશે

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના જરૂરિયાતમંદ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 12મા હપતામાં દેશભરના ખેડૂત લાભાર્થીઓને રૂ.16 હજાર કરોડની રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે. આમ, આ યોજના હેઠળ કુલ 12 હપતાઓમાં દેશભરના ખેડૂતોના ખાતામાં કુલ રૂ.2.16 લાખ કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવી છે, જ્યારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12,565 કરોડ રૂપિયા રકમ જમા કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, દિલ્હી ખાતે યોજાનારા બે દિવસીય સંમેલનમાં 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ સમૃદ્ધિ કેન્દ્રોમાં 44 કેન્દ્રો ગુજરાત ખાતે કાર્યરત કરવામાં આવશે. આ કૃષિ સમૃધ્ધિ કેન્દ્રમાં ખેડૂતોને એક જ છત નીચે કૃષિ વિષયક તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ કેન્દ્રો ઉપર ખેડૂત સીધો લાભ લઈ શકે તે રીતે જમીન, બિયારણ અને ખાતર પરીક્ષણ માટેની સુવિધાઓ રાખવામાં આવશે. ખેડૂતોની જરૂરિયાત મુજબના નાના-મોટાં ખેત ઓજારો તથા ડ્રોન માટે કસ્ટમ હાયરીંગ સેન્ટરની સુવિધા તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવા સેન્ટરો પરથી ખેડૂતને ખેતી વિષયક અદ્યતન ખેત પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને ભલામણો બાબતે માહિતી આપવામાં આવશે. ખેડૂતોને સીધી અસર કરતી સરકારી યોજનાઓ પણ આ કેન્દ્રો પર પ્રદર્શિત કરવામાં આવશે.આ કિસાન સમ્માન સંમેલનમાં 1500થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. જેમાંથી 300 સ્ટાર્ટઅપ દ્વારા કૃષિ અને તેને સંલગ્ન વિવિધ વિષયો પર થયેલ નવીન કાર્યોનું પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત, ખેડૂતોને આ સ્ટાર્ટઅપ્સ દ્વારા વરિષ્ઠ વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાંતો અને નિતી નિર્માતાઓનું માર્ગદર્શન પણ મળી રહેશે.