Site icon Revoi.in

રાજકોટ રેલવે ડિવિઝનમાં તહેવારો દરમિયાન ટ્રેનોમાં વગર ટિકિટે 10,252 પ્રવાસીઓ પકડાયાં

Social Share

રાજકોટઃ  રેલવે ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રેગ્યુલર ટ્રેનો ઉપરાંત ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. તહેવારોમાં તમામ ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. પ્રવાસીઓની  ભીડને લીધે અવ્યવસ્થા ન સર્જાય તે માટે  એન્ટ્રી- એકઝિટ ગેઇટ, પ્લેટફોર્મ પર RPF – GRP જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, જનરલ ડબ્બામાં પ્રવાસીઓની ભારે ભીડથી અંધાધૂંધી જોવા મળી હતી. પ્રવાસીઓની ભીડનો લાભ લઈને કેટલાક પ્રવાસીઓ ટિકિટ લીધા વિના જ મુસાફરી કરતા હોય છે. તેને લીધે તહેવારો દરમિયાન ચેકિંગ ઝૂંબેશ પણ ચલાવવામાં આવી હતી. રાજકોટ રેલવે ડિવિઝનમાં ટિકિટ વિના મુસાફરી કરતા 10,252 ખુદાબક્ષો ઝડપાઈ ગયા હતા. જેના થકી રેલવે વિભાગને રૂ.79.45 લાખની આવક થઈ હતી.

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમારના કહેવા મુજબ દિવાળીના તહેવારોમાં રાજકોટ રેલવે ડિવિઝનથી વિવિધ સ્થળોએ પાંચ  ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી.  જેમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં ઓક્યુપન્સી 100 ટકા કરતાં વધુ હતી. આ ટ્રેનોમાં ઓખા-મદુરાઈ, ઓખા-અમદાવાદ, ઓખા-નાહરલાગુન, ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા અને રાજકોટ-બરૌની ટ્રેનોનો સમાવેશ થાય છે. મુસાફરોની ભીડની દેખરેખ અને નિયંત્રણ માટે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા રેલવે સ્ટેશન પરના એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ અને પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવા માટે RPF અને GRP જવાનોને 24 કલાક તૈનાત કરવામાં આવ્યા હતા.
​​​​આ ઉપરાંત તમામ ટ્રેનોના દરેક કોચ (બંને આરક્ષિત અને અનરિઝર્વ્ડ)ના ગેટ પર RPF/GRP કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોની હિલચાલ અને સુવ્યવસ્થિતતા સુનિશ્ચિત કરવા માટે મુસાફરોને અલગ પાડવામાં આવ્યા હતા.   ભીડને ટાળવા માટે મુસાફરોને વ્યવસ્થિત રીતે લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. ટ્રેનના ડબ્બાની અંદર મુસાફરોને બેસાડવા અને જગ્યા બનાવવાની સૂચના આપવામાં આવી હતી, જેથી બહાર રાહ જોતા મુસાફરોને પણ સમાવી શકાય. આ ઉપરાંત RPF અને GRPના જવાનો દ્વારા ટિકિટ ચેકિંગ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા મુસાફરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.