અમદાવાદઃ રાજ્યની ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વિદેશના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. આ વખતે ઈજનેરીની વિવિધ શાખાઓમાં 1027 વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ સિવિલ બ્રાન્ચમાં 220 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
ગુજરાતમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં આ વર્ષે કમ્પ્યુટર સાયન્સની બ્રાન્ચમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ પસંદગી ઉતારી હતી. પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં કમ્પ્યુટર સાયન્સની એક સીટ સામે 500થી વધુ વિદ્યાર્થીઓ વેઇટિંગમાં રહ્યા હતા, પરંતુ વિદેશથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓમાં બ્રાન્ચ પસંદગીમાં અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જીટીયુમાં હાલમાં યુજી, પીજી, પીએચડીમાં વિદેશના 1027 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી યુજીના સૌથી વધુ 220 વિદ્યાર્થીઓએ સિવિલ એન્જિનિયરિંગ અને માસ્ટર એન્જિનિયરિંગના સિવિલ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે સિવિલ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં 32 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આફ્રિકા, અફઘાનિસ્તાન વગેરે દેશોના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ માટે ગુજરાત આવી રહ્યા છે. આ વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ પર સૌથી વધુ પસંદગી ઉતારી હતી. જાણીતી કોલેજોમાં પહેલા જ રાઉન્ડમાં કમ્પ્યુટર સાયન્સની તમામ સીટો ભરાઈ ચૂકી હતી, જ્યારે સિવિલ એન્જિનિયરિંગની સીટો ખાલી રહી છે. અમુક કોલેજોમાં તો માત્ર એક કે બે વિદ્યાર્થીએ જ સિવિલમાં એડમિશન લીધું હતું. જ્યારે જીટીયુએ આપેલી માહિતી પ્રમાણે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓએ સિવિલ બ્રાન્ચમાં સૌથી વધારે પ્રવેશ મેળવ્યો હતો. વિદેશના વિદ્યાર્થીઓમાં દર વર્ષે સિવિલ બ્રાન્ચનો ક્રેઝ રહે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં દુનિયાના મોટા ભાગના દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઇ રહ્યો છે. મોટા ભાગના દેશોમાં હાલ સિવિલ એન્જિનિયરોની માગ છે, જેને ધ્યાનમાં રાખીને જીટીયુમાં અભ્યાસ કરવા માટે આવેલા વિદેશી વિદ્યાર્થીઓમાં સિવિલ એન્જિનિયર બ્રાન્ચ લેવાનો ક્રેઝ છે. આ ઉપરાંત એમબીએ, એમએસબીએના કોર્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. હાલમાં 1027 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એન્જિનિયરિંગની સાથે એમબીએ અને એમસીએમાં અભ્યાસ કરવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે છે. એમબીએસમાં 64, એમસીએ 14 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે તેની સાથે ઇન્ટરનેશનલ બિઝનેસના અભ્યાસક્રમમાં 21 વિદેશના વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યાં છે. આ સાથે જ પીએચડીમાં મેનેજમેન્ટ, કમ્પ્યુટર એન્જિ., બાયોમેડિકલ એન્જિ, સહિતની વિવિધ બ્રાન્ચમાં 10 વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે.