રાજકોટઃ ગુજરાત તમામ નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ કન્જક્ટિવાઈટિસ એટલે કે આંખ આવવાના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. આમ રાજ્યભરમાં આંખ આવવાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં પણ છેલ્લા 18 દિવસમાં કન્જક્ટિવાઈટિસના 10,336 કેસ નોંધાયા છે. કન્જક્ટિવાઈટીસના કેસમાં જબદરસ્ત વધારો થતા દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે આઈ ડ્રોપ્સ મતલબ કે આંખના ટીપાનો સ્ટોક ખૂટી પડ્યો છે.
રાજકોટ શહેરમાં આંખ આવવાના દર્દીઓ ધેર ધેર જોવા મળી રહ્યા છે. પરિવારના એક સભ્યને આંખ આવી હોય તો ત્યારબાદ આખા પરિવારને આંખો આવતી હોય છે.કન્જક્ટિવાઈટિસના દર્દીઓમાં વધારો થતાં શહેરના વૉર્ડ નં-15નાં ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર ખાતે ‘આંખના ટીપાનો સ્ટોક ખૂટી પડ્યો હતો. અને આંખના ટીપા નથી, તેવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. મેડિકલ સ્ટોર પર પણ આંખના ટીપાના કાળા બજાર થતા હતા. એટલે કે લોકોને નિયત કરતા વધુ ભાવ આપવાની ફરજ પડી હતી. જો કે, આરોગ્ય અધિકારીએ કહેવા મુજબ બપોર બાદ તમામ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.
સૂત્રોના કહેવા મુજબ શહેરના વોર્ડ નંબર-15નાં આરોગ્ય કેન્દ્ર ખાતે ‘ટીપા ખલાસ છે’નાં બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા હતા એકાએક આંખના ટીપા મેળવવા માટે ધસારો વધતા સ્ટોક ખલાસ થઈ ગયો હતો. સવારથી 50 જેટલા લોકો આંખના ટીપા માટે આવતા તમામને પરત ફરવું પડ્યું છે. દરમિયાન મ્યુનિ.ના આરોગ્ય અધિકારી આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતુ કે, 18 દિવસમાં એટલે કે, 17 જૂલાઈથી 4 ઑગસ્ટ સુધીમાં રાજકોટમાં આંખ આવવાના કુલ 10,336 કેસ આરોગ્ય કેન્દ્રોમાં નોંધાયા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં નોંધાતાં કેસની સંખ્યા અલગ છે. વોર્ડ નંબર-15માં લગાવવામાં આવેલા બોર્ડ અંગે તેમણે જણાવ્યું કે, દર્દીઓનો સતત ધસારો હોવાને કારણે સ્ટોક પૂર્ણ થઈ ગયો છે. અહીંના આરોગ્ય કેન્દ્રમાં 12,500 આઈડ્રોપ્સ હતા, જે પૂર્ણ થઈ જતાં સરકાર પાસે વધુ ડ્રોપ્સની માંગણી કરાઈ છે. જેને લઈ વધુ 12,500 જેટલો જથ્થો બપોર બાદ આરોગ્ય કેન્દ્રને મળી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર્દીઓની વધી રહેલી સંખ્યાને કારણે ટીપાનો સ્ટોક ઝડપથી ખૂટી ગયો છે. બીજી તરફ જે દર્દીઓને આરોગ્ય કેન્દ્ર સુધી ધક્કો થયો છે તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, શહેરમાં આંખ આવ્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સ્ટોક પૂર્ણ થવા આવે ત્યારે જ આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ સ્ટોક મગાવી લેવો જોઈએ. શા માટે જથ્થો પૂર્ણ થઈ જાય તેની રાહ જોવામાં આવી રહી છે ?