ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 3,33,170 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 99.73 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. 20 સપ્ટેમ્બર, 2023ની સ્થિતિએ રાજ્યભરમાં 54 જળાશયો એવા છે. કે, જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 90 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 29 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 10 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જુન અને જુલાઈ મહિના દરમિયાન સારો એવો વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો જતા અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી મેઘરાજાની પુનઃ પધરામણી થઈ હતી. અને રાજ્યમાં સરેરાશ 100 ટકા કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે. આમ સારા વરસાદને લીધે જળાશયોમાં પાણીનો સંગ્રહ સંતોષજનક થયો છે. આખુયે વર્ષ લોકોને પીવા તેમજ સિંચાઈના પાણી માટે કોઈ મુશ્કેલી નહીં પડે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 53 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 51 જળાશયો મળી કુલ 104 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 22 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 17 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.