Site icon Revoi.in

આજે ઉત્તરાણ અને કાલે વાસી ઉત્તરાણના બન્ને દિવસ 108ની એમ્બ્યુલન્સ સેવા સતત સેવા બજાવશે

Social Share

અમદાવાદઃ ઉત્તરાણના પર્વમાં પતંગોત્સવનો અનોખો માહોલ હોય છે. લોકો ધાબાઓ અને મકાનોની છત પર ચડીને પતંગો ચગાવતા હોય છે. ત્યારે ધાબા પરથી પડી જવાના, રાહદારીઓ કે વાહનચાલકોને દોરી વાગવાના અને અન્ય અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે 108 એમ્બ્યુલન્સની સેવા ઉત્તરાણ અને વાસી ઉત્તરાણના દિવસે સતત સેવા બજાવશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 108 સેવા દ્વારા લોકોને તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આજે ઉત્તરાયણ ઉત્સવમાં શહેરીજનો પતંગો ચગાવીને મોજ માણશે. આ તહેવાર દરમિયાન ખાસ કરીને રસ્તાઓ અને ટેરેસ પર અકસ્માતોના બનાવો બનતા હોય છે. ઉત્તરાણ અને વાસી ઉત્તરાણ આ બે દિવસ દરમિયાન 108-EMS અન્વયે 26 ટકા અને 19.66 ટકા જેટલા ઈમરજન્સી કોલ્સ અને 1962-કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ અન્વયે 56.61 ટકા તેમજ 60.18 ટકા જેટલો ઈમરજન્સી કોલ્સનો નોંધપાત્ર વધારો થવાની સંભાવનાઓ છે.

108 એમ્બ્યુલન્સ સેવાના સૂત્રોના જણાવ્યા મુજબ ઉતરાયણ દરમિયાન દોરીથી ગળું કપાઈ જવાના અને ધાબા પરથી પડી જવાના બનાવો ઉપરાંત માર્ગ અકસ્માતના કેસોમાં પણ નોંધપાત્ર ઉછાળો આવતો હોય છે. આવા કિસ્સામાં સત્વરે જરૂરિયાત મંદ દર્દીને સારવાર મળી રહે એ માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા આગોતરી તૈયારીઓ કરી લેવાઈ છે. જિલ્લામાં કોઈપણ સ્થળે સત્વરે પહોંચી વળવા અલગ અલગ સ્થળોએ 20 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. ઉત્તરાયણનાં બે દિવસ એટલે કે 14 મી અને 15 મી જાન્યુઆરીએ 20 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સામાન્ય રીતે રેગ્યુલર દિવસો કરતા ઉતરાયણ પર્વમાં ઈમર્જન્સી કોલમાં વધારો થાય છે. જેથી 92 કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે તૈનાત રહેશે. ઉત્તરાયણ પર્વને લઈને તમામ સ્ટાફની રજાઓ રદ્દ કરાઈ છે.