બોટાદઃ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજીના મંદિરમાં રોજબરોજ અનેક ભાવિકો દાદાના દર્શન માટે આવી રહ્યા છે. મંદિર દ્વારા કષ્ટભંજન હનુમાનજીને વાર-તહેવારે અવનવો શણગાર કરવામાં આવતો હોય છે. અને ભક્તો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હોય છે. હવે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વના દિવસ ગાય પૂજન ઉત્સવ ઊજવાશે. જેમાં સવારે 9 થી 11 ના સમય દરમિયાન ગાયોનું પૂજન કરાશે 108 ગાયોનું યજમાનો તેમજ સંતો દ્વારા પૂજન કરવામાં આવશે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં મકરસંક્રાંતિના દિને ગાય પૂજન દરમિયાન અલગ અલગ પ્રકારના આયોજન સાથે ગાય માતાની પૂજા કરવામાં આવશે. જેમાં 108 ગાય વંશના દર્શન, ગાય મંડળ દર્શન, કેશર જળથી સ્નાન,108 રેશમ વસ્ત્ર સમર્પણ,ગોળની મીઠાઈ, ગાયના પાલનહારની પૂજા સહિતના કાર્યક્રમનું આયોજન સંતો તેમજ યજમાનોની હાજરીમાં કરવામાં આવશે. 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વના ગાય પૂજનનો લાભ લેવા માંગતા હરિભક્તો સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા જાહેર કરાયેલા મોબાઈલ નંબર અથવા તો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આવેલા કાઉન્ટર નંબર 4 પર રૂબરૂ પણ પોતાનું નામ નોંધાવી શકે છે. પૂજનમાં બેસવાની તેમજ લાભ લેવાની માહિતી મેળવી ગાય પૂજનનો લાભ લઈ શકે છે. ગાય માતાના પૂજન દરમિયાન મુખ્ય યજમાન, ઉપ યજમાન, સહ યજમાન, તેમજ 1 ગાયની પૂજન એમ અલગ અલગ આયોજન કરવામાં આવેલા છે. સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી, કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મકરસંક્રંતિએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે. (file photo)