અમદાવાદમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા 108 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં
અમદાવાદ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતા. આ અવસરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, ‘મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.’ એટલુ જ નહિ આજે વસુધૈવ કુટુંબકમની ભાવના પણ સાર્થક થઈ છે.
મંત્રીએ કહ્યું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે. અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા 108 પરિવારોના ઘરોમાં દિવાળી જેવો એક માહોલ છે કેમ કે, આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે. ઘરમાં એક બાળકનો જન્મ થાય ત્યારે કેવો ખુશીનો માહોલ હોય છે તેઓ જ માહોલ આજે આપ સૌના પરિવારજનોમાં દેખાઈ રહ્યો છે.
ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે. સ્થળાંતરિત થયેલા લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે 108 નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહ્યા છે.
મંત્રીએ ભારતીય નાગરિકતા ધારણ કરનારા સૌનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. દર વર્ષે આ દિવસને તમે જન્મ દિવસની જેમ જ ઊજવશો, એવો વિશ્વાસ છે. આજથી તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો, એવી ખાતરી પણ મંત્રીએ સૌને આપી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1149થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટર તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વહીવટી ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1149 પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.