અમદાવાદઃ રાજ્ય સરકારે ‘108 એમ્બ્યુલન્સ’ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘108 એમ્બ્યુલન્સ સેવા’ આશીર્વાદ સમાન બની છે.
રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ 2007થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન હેઠળ થયો હતો. 108 સેવાએ ગુજરાતમાં 15 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટીબધ્ધ છે.
108 એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન સાથે ટેકનોલોજીનો પણ સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. 108 સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ “ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર” પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરીકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા નવેમ્બર-2022 સુધીમાં રાજ્યભરમાંથી લગભગ 1.42 કરોડથી પણ વધુ ઇમરજન્સી હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. આ ઉપરાંત ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં 48.33 લાખથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત 17.55 લાખથી વધુ ઈમર્જન્સી તેમજ 13.13 લાખથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે.
108 એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા 79631 મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ 45247 મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે.
ટેકનોલોજીનાં માધ્યમથી 108 ઇમરજન્સી સેવાનો લાભ નાગરીકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા “108 ગુજરાત” નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત કરાઈ છે. 108 ઈમરજન્સી સેવાનું ડિજિટલાઈઝેશન થતા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે.
માત્ર ૫૩ એમ્બ્યુલન્સથી શરૂ થયેલી 108ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવી 108 બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં ૨ બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે.
હરહંમેશ નવતર અભિગમો થકી અન્યોને રાહ ચીંધતા ગુજરાત રાજ્યની યશકલગીમાં તાજેતરમાં જ વધારો થયો છે. 108 ઈમરજન્સી સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા કટોકટીની પળોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત એર એમ્બ્યુલન્સ સેવા શરુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચીને 108ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવાયા છે.