Site icon Revoi.in

બનાસકાંઠાના 2685 ખેડુતોએ 10909.250 મે. ટન બાજરીનું ટેકાના ભાવે કર્યું વેચાણ

Social Share

પાલનપુરઃ  બનાસકાંઠામાં છેલ્લા કેટલાક વર્ષથી કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ખરીફ સીઝનમાં બાજરીના પાકનું સારૂએવું ઉત્પાદન થયું હતું. પણ સીઝન ટાણે જ બાજરીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતો ચિંતામાં મુકાઈ ગયા હતા. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદીની જાહેરાત કરાતા ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 30.54 કરોડની બાજરી ટેકાના ભાવે ખરીદી કરી છે. બનાસકાંઠાના કુલ 2685 ખેડૂતોએ 10909.250 મે.ટન બાજરીનું ટેકાના ભાવે વેચાણ કર્યુ હતુ. જેમની પાસેથી રાજય સરકાર દ્વારા રૂા 300નું બોનસ આપી રૂ 2800 પ્રતિ કિવન્ટલના ભાવે બાજરીની ખરીદી કરી હતી.

બનાસકાંઠાના કલેકટર વરુણ બરનવાલ, જિલ્લા પુરવઠા અધિકારી કે. કે. ચૌધરી તેમજ અધિકારીઓની ટીમ દ્વારા બાજરી, જુવાર, મકાઈની ટેકાના ભાવે ખરીદી થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખરીફ માર્કેટીંગ સીઝન વર્ષ 2023 – 24માં લઘુતમ ટેકાના ભાવે તા 31 ડિસેમ્બર 2023 સુધી બનાસકાંઠા જિલ્લામાં કુલ 6113 ખેડુતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. જે પૈકી બ્લોક કરેલી અરજીઓ બાદ કરતા 4416 ખેડુતોને SMS કરી બાજરી ખરીદી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી 2685 ખેડુતોએ 10909.250 મે.ટન બાજરીનું વેચાણ કર્યુ હતુ. જેમાં રાજય સરકાર દ્વારા 30.54 કરોડ રૂ.ની બાજરીની ખરીદી કરાઈ હતી. ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બાજરી, જુવાર મકાઈ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદીનો ભાવ પ્રતિ ક્વિન્ટલએ અનુક્રમે રૂ 2500, રૂ.3180, રૂ 2090 અને રૂ 2183- નકકી કરેલા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2023- 24ને મીલેટ વર્ષ તરીકે જાહેર કરાયું છે. મીલેટના ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહે તેમજ ખુલ્લા બજારમાં બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરના ભાવો નીચા જાય તો ખેડુતોને આર્થિક નુકશાન થતું અટકાવી શકાય તેમજ ખેડુતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે ખરીદવામાં આવનાર બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ખરીદી માટે રાજયની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ગાંધીનગરની નિમણુંક કરવામાં આવી છે.