અમદાવાદઃ જીવન જીવવાની એક પધ્ધતિ એટલે યોગ. યોગ એક જીવનશૈલી છે. ભારતીય સંસ્કૃતિમાં યોગ વિશેષ સ્થાન ધરાવે છે. મનને કાબુમાં રાખવાની વાત હોય કે પછી તનને સ્ફૂર્તિલું રાખવું હોય, યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ હમેશા મદદરૂપ થાય છે. પતંજલિ સહીત અનેક ઋષિમુનીઓએ યોગ અને યોગ થકી શરીર અને મનની શુદ્ધિ વિષે વિસ્તૃત જ્ઞાન આપ્યું છે. ભારત હમેશા વસુધૈવ કુટુંબકમ ની ભાવના સાથે ચાલનારો દેશ છે. ત્યારે વર્ષ ૨૦૧૪માં વિશ્વ યોગ દિવસ મનાવવા માટે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ધારદાર રજૂઆત કરી હતી. જેના ફલસ્વરૂપ યુનો દ્વારા ૨૧ જુન ૨૦૧૫ ના રોજ પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષે એટલે કે ૨૦૨૪ માં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે આ દિવસને લઈને જુદીજુદી થીમ રાખવામાં આવે છે. ત્યારે ૨૦૨૪ ની થીમ છે યોગ દ્વારા મહિલા સશક્તિકરણ. આપણા દેશમાં મહિલાઓ એ ઘરનું ચાલકબળ છે. જો મહીલાઓ યોગ કરશે તો તંદુરસ્ત રહેશે. મહિલાઓ યોગ કરશે તો તેના બાળકો, સાસુ, સસરા, પતિ તમામની જવાબદારી સારી રીતે નિભાવી શકશે. શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક વિકાસ પામશે. જો પ્રત્યેક વ્યક્તિ યોગ કરે તો, તે વ્યક્તિ તંદુરસ્ત રેહશે, સમાજ તંદુરસ્ત રહેશે, દેશ તંદુરસ્ત રહેશે.