11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાક પેટ્રોલ પંપ ઉપર 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલનું વેચાણ
નવી દિલ્હીઃ બાયો ફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પસંદગીના પેટ્રોલ પંપો પર 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલ (E-20)નું છૂટક વેચાણ શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં આ પેટ્રોલનું વેચાણ 15 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં દેશભરમાં E-20 પેટ્રોલનું વેચાણ શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક-2023માં જણાવ્યું હતું કે 20% ઇથેનોલનું વેચાણ બે મહિના પછી રજૂ કરવામાં આવનાર હતું, પરંતુ તે લક્ષ્યાંક પહેલા શરૂ કરવામાં આવ્યું છે.
દેશમાં 2014માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 1.5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવ્યું હતું. પેટ્રોલમાં 10% ઇથેનોલ ભેળવીને દેશ રૂ. 53,894 કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવે છે. ઇથેનોલના વધતા ઉપયોગથી ખેડૂતોને પણ ફાયદો થાય છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ હતું કે, 15 શહેરોમાં 84 પેટ્રોલ પંપ પર 20 ટકા ઇથેનોલ ધરાવતા પેટ્રોલનું છૂટક વેચાણ શરૂ થઈ ગયું છે. 2030 માટે પેટ્રોલમાં ઇથેનોલના 20 ટકા મિશ્રણનો પૂર્વનિર્ધારિત લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આ પણ હવે ઘટાડીને 2025 કરી દેવામાં આવ્યું છે. હવે E-20 સાથે પેટ્રોલ આઈટમમાં દર વર્ષે લગભગ 30 હજાર કરોડ રૂપિયાની બચત થવાની સંભાવના છે.
(PHOTO-FILE)