આણંદ, અરવલ્લી અને સાબરકાંઠામાં બે વર્ષમાં 11.40 લાખ PMJAY કાર્ડ ઇસ્યુ કરાયાં
અમદાવાદઃ વર્ષ 2013માં ગુજરાતમાં માં કાર્ડ યોજનાનો અમલ શરૂ થયો હતો. આ યોજના દેશ માટે રોલ મોડલ બની છે, જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, PMJAY યોજના હેઠળ આણંદમાં છેલ્લા એક વર્ષમાં રૂ.68.25 કરોડના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 13,270 લાભાર્થીઓને રૂ.30.02 કરોડ જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 53,190 લાભાર્થીઓને રૂ.116.18 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં કુલ 45માંથી 27 સરકારી 18 ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં 59માંથી 44 સરકારી અને 15 ખાનગી જ્યારે સાબરકાંઠામાં 91માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ રૂ.10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ તમામને સમાવી લેવાના લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ PMJAY કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય પણ કર્યો છે.